કેપ્ટન શુભમન ગિલે IPL 2026 સીઝન માટે ગુજરાત ટાઈટન્સની સ્પષ્ટ અને આત્મવિશ્વાસપૂર્ણ રણનીતિ રજૂ કરી. તેને જણાવ્યું હતું કે ટીમનો ધ્યેય ક્યારેક ક્યારેક મોટા સ્કોર કરવાને બદલે સતત પ્રદર્શન કરવાનો છે. સિઝન માટેની તેમની તૈયારીઓ દરમિયાન શુભમન ગિલે નિયમિતપણે રન બનાવવા અને બધી પરિસ્થિતિઓમાં અનુકૂલન સાધવાના મહત્વ પર ભાર મૂક્યો.


સતત મોટા સ્કોર કરતી ટીમ બનવાની ઈચ્છા: કેપ્ટન શુભમન ગિલ

શુભમન ગિલે કહ્યું કે "આખરે, તમારે વિરોધી ટીમ કરતાં વધુ રન બનાવવા પડશે. ભલે તે 4 રનની જીત હોય કે 150-200 રનની જીત, ટાર્ગેટ જીતવાનું છે. અમે મેચમાં 300-350 રન બનાવવાની દોડમાં નથી. અમે એક એવી ટીમ બનવા માગીએ છીએ જે સતત મોટા સ્કોર કરે છે અને પિચના આધારે ટાર્ગેટ પ્રાપ્ત કરે છે."

આ સિવાય વધુમાં શુભમન ગિલે કહ્યું કે "અમે અલગ અલગ પરિસ્થિતિઓમાં મેચ જીતવા માગીએ છીએ. અમે ફક્ત સારી પીચો પર સારી રીતે રમનારી ટીમ બનવા માગતા નથી." કેપ્ટને ટીમની અનુકૂલન ક્ષમતા પર પણ ભાર મૂક્યો, એમ કહીને કે ટીમ બધી પરિસ્થિતિઓ અને પિચમાં સારું પ્રદર્શન કરવા માંગે છે.

હેડ કોચ આશિષ નેહરાએ કેપ્ટનના વિચારોનો કર્યો સ્વીકાર

હેડ કોચ આશિષ નેહરાએ કહ્યું કે "જેમ કેપ્ટને કહ્યું હતું, અમે એવી ટીમ બનવા માગીએ છીએ જે કોઈપણ પરિસ્થિતિમાં જીતી શકે, પછી ભલે તે ઘરે હોય કે બહાર." તેમના વ્યક્તિગત પ્રદર્શન વિશે શુભમન ગિલે કહ્યું કે ટીમ જીત તેની ટોપની પ્રાથમિકતા છે. "હું વ્યક્તિગત સિદ્ધિઓ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરતો નથી. ભલે હું દેશ માટે રમું કે ગુજરાત ટાઈટન્સ માટે, મારું લક્ષ્ય ટીમ જીત છે,"

2022માં તેમના ડેબ્યૂ પછી ગુજરાત ટાઈટન્સ લીગમાં સૌથી સુસંગત ટીમોમાંની એક રહી છે. તેઓ તેમની પહેલી ચાર સીઝનમાં ત્રણ વખત પ્લેઓફમાં પહોંચ્યા અને તેમની પ્રથમ સીઝનમાં ટાઈટલ જીત્યું.

શુભમન ગિલે છેલ્લા કેટલાક સિઝનમાં ટીમ અને પોતાના ફોર્મનો ઉલ્લેખ કરતા કહ્યું કે "મેં છેલ્લા ત્રણ-ચાર વર્ષમાં સતત સારું પ્રદર્શન કર્યું છે, અને ટીમે પણ સારું પ્રદર્શન કર્યું છે. જો આપણે આ ફોર્મ જાળવી રાખીશું, તો આપણે ફરીથી ટાઈટલ જીતી શકીશું."

ટોપ ઓર્ડર પર નિર્ભરતાના સવાલ અંગે આશિષ નહેરાએ કહી આ વાત

તેમને કહ્યું કે "મને નથી લાગતું કે મિડલ ઓર્ડર નિષ્ફળ રહ્યો હતો. ટોપના ત્રણ બેટ્સમેનોએ ઘણા રન બનાવ્યા અને 17-18 ઓવર સુધી બેટિંગ કરી. આ જ કારણે ટીમ મજબૂત સ્થિતિમાં રહી. પરંતુ મિડલ ઓર્ડરને ઘણી તકો મળી નહીં, જે સરળ નથી." ગુજરાત ટાઈટન્સ 31 માર્ચે મુલ્લાનપુરમાં પંજાબ કિંગ્સ સામે તેમના IPL 2026 અભિયાનની શરૂઆત કરશે.

IPL 2026 માટે ગુજરાત ટાઈટન્સની ટીમ

શુભમન ગિલ (કેપ્ટન), રાશિદ ખાન, સાઈ સુદર્શન, રાહુલ તેવતિયા, શાહરૂખ ખાન, કાગીસો રબાડા, જોસ બટલર, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણા, નિશાંત સિંધુ, કુમાર કુશાગરા, અનુજ રાવત, માનવ સુથાર, વોશિંગ્ટન સુંદર, અરશદ ખાન, ગુરનુર બ્રાર, સાઈ કિશોર, ઈશાંત શર્મા, જયંત યાદવ, ગ્લેન ફિલિપ્સ, જેસન હોલ્ડર, અશોક શર્મા, ટોમ બેન્ટન, લ્યુક વુડ અને કુલવંત ખેજરોલીયા.

આ પણ વાંચો: Suryakumar Yadav, હાર્દિક પંડ્યા અને શિવમ દુબેએ છોડ્યો ટીમ ઈન્ડિયાનો સાથ, BCCI પર ઉઠ્યા સવાલો!

  • Follow us on: