ક્રિકેટ જગતમાંથી મોટા સમાચાર સામે આવ્યા છે. વધુ એક ટીમ T20 વર્લ્ડકપ 2026 માટે ક્વોલિફાય થઈ ગઈ છે. આ ટીમ આયર્લેન્ડ છે, આયર્લેન્ડની મહિલા ટીમ ICC T20 વર્લ્ડકપ 2026 માટે ક્વોલિફાય થઈ ગઈ છે.
નેપાળમાં રમાઈ રહેલી ક્વોલિફાયર ટુર્નામેન્ટમાં થાઈલેન્ડને હરાવીને આયર્લેન્ડે T20 વર્લ્ડકપ માટે ટિકિટ મેળવી લીધી છે. આ સાથે આયર્લેન્ડ જૂન-જુલાઈમાં ઈંગ્લેન્ડ અને વેલ્સમાં રમાનારી આ પ્રતિષ્ઠિત ટુર્નામેન્ટ માટે ક્વોલિફાય થનારી ત્રીજી ટીમ બની ગઈ છે.
આયર્લેન્ડ પહેલા બાંગ્લાદેશ અને નેધરલેન્ડ્સ પહેલાથી જ વર્લ્ડકપમાં પોતાનું સ્થાન સુરક્ષિત કરી ચૂક્યા છે. ક્વોલિફાયર ટુર્નામેન્ટની ફાઈનલ મેચ સ્કોટલેન્ડ અને યુનાઈટેડ સ્ટેટ્સ વચ્ચે રમાશે, જેમાં વિનર ટીમ 12 ટીમોની વર્લ્ડકપ લાઈનઅપ પૂર્ણ કરશે. થાઈલેન્ડ સામેની મહત્વપૂર્ણ મેચમાં આયર્લેન્ડે પહેલા બેટિંગ કરતા 20 ઓવરમાં 8 વિકેટે 121 રન બનાવ્યા. જવાબમાં થાઈલેન્ડ 16.1 ઓવરમાં ફક્ત 59 રનમાં ઓલઆઉટ થઈ ગયું.
આયર્લેન્ડે મચાવી ધૂમ
આયર્લેન્ડના કેપ્ટન ગેબી લુઈસે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો. એમી હન્ટર (24 રન), ગેબી લુઈસ (25 રન) અને ઓર્લા પ્રેન્ડરગાસ્ટે (24 રન) ટોપ ઓર્ડરમાં સારી શરૂઆત આપી અને 10 ઓવર પછી સ્કોર 71 રન સુધી પહોંચી ગયો. પરંતુ 12મી ઓવર સુધીમાં ત્રણેય અનુભવી બેટ્સમેન આઉટ થઈ ગયા. આ પછી ફક્ત લુઈસ લિટલ (14 રન) અને જેન મેગુઈર (15 રન અણનમ) જ બે આંકડા સુધી પહોંચી શક્યા. થાઈલેન્ડ તરફથી લેગ સ્પિનર સુલીપોર્ન લાઓમીએ શાનદાર બોલિંગ કરી અને 24 રન આપીને 4 વિકેટ ઝડપી.
થાઈલેન્ડના બેટ્સમેન્સે નિરાશ કર્યા
જવાબમાં થાઈલેન્ડની બેટિંગ સંપૂર્ણપણે પડી ભાંગી. વિકેટકીપર-બેટ્સમેન નન્નાપટ કોનચારોનકાઈ (15 રન) અને કેપ્ટન નારુમોલ ચૈવાઈ (22 રન) સિવાય અન્ય કોઈ બેટ્સમેન લડાઈ લડી શકી નહીં. બંનેએ ત્રીજી વિકેટ માટે 26 રન બનાવ્યા. આ પછી ટીમની પાર્ટનરશીપ એક અંક સુધી જ મર્યાદિત રહી ગઈ. આયર્લેન્ડ માટે આર્લેન કેલીએ શાનદાર મધ્યમ ગતિ બોલિંગ કરી અને 4 ઓવરમાં માત્ર 7 રન આપીને 4 વિકેટ લીધી, જ્યારે લારા મેકબ્રાઇડે 6 રન આપીને 3 વિકેટ લીધી. આ જીત સાથે આયર્લેન્ડે વિમેન્સ T20 વર્લ્ડકપ 2026માં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું, ત્યારબાદ ટીમે જોરદાર સેલિબ્રેશન કર્યું.
આ પણ વાંચો: WPL 2026 Playoff: મુંબઈ ઈન્ડિયન્સ પાસે હજુ પણ એલિમિનેટર સુધી પહોંચવાની તક, જાણો કેવી રીતે