T20 વર્લ્ડકપ 2026માં ભારત અને પાકિસ્તાન વચ્ચેની હાઈ-વોલ્ટેજ મેચ કોલંબોના પ્રેમદાસા સ્ટેડિયમ ખાતે રમાઈ રહી છે. આ મેચમાં ટીમ ઈન્ડિયા માટે ઈશાન કિશને શાનદાર બેટિંગ કરી હતી. બેટિંગ માટે મુશ્કેલ પીચ પર તેને માત્ર 27 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી અને અંતે 40 બોલમાં 77 રન બનાવીને આઉટ થઈ ગયો.


આ અડધી સદી સાથે ઈશાન કિશન એક શાનદાર સિદ્ધિ હાંસલ કરી છે. ઈશાન T20 વર્લ્ડકપમાં પાકિસ્તાન સામે અડધી સદી ફટકારનાર ચોથો ભારતીય બેટ્સમેન બન્યો છે.

વિરાટ અને ઉથપ્પાના લિસ્ટમાં ઈશાનનું નામ પણ સામેલ

T20 વર્લ્ડકપમાં પાકિસ્તાન સામે અડધી સદી ફટકારનારા ભારતીય બેટ્સમેનોની વાત કરીએ તો 2007ના T20 વર્લ્ડકપમાં રોબિન ઉથપ્પા આ સિદ્ધિ મેળવનારો પહેલો ખેલાડી હતો. ગૌતમ ગંભીરે પણ તે જ વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે અડધી સદી ફટકારી હતી. ત્યારબાદ વિરાટ કોહલીએ T20 વર્લ્ડકપમાં પાકિસ્તાન સામે 4 અડધી સદી ફટકારી હતી. હવે ઈશાન કિશને આ વર્લ્ડકપમાં આ સિદ્ધિ મેળવી છે. કિશન હવે આ સિલેક્ટેડ ક્લબમાં જોડાઈ ગયો છે.


ઈશાન કિશને શુભમન ગિલનો તોડ્યો રેકોર્ડ

પાકિસ્તાન સામેની આ મેચમાં ઈશાન કિશને પાવરપ્લેમાં 42 રન બનાવ્યા. ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાયેલી T20 ઈન્ટરનેશનલ મેચમાં પાવરપ્લેમાં બેટ્સમેન દ્વારા આ સૌથી વધુ સ્કોર છે. આ પહેલા શુભમન ગિલે દુબઈમાં એશિયા કપ 2025માં 35 રન બનાવ્યા હતા. પરંતુ હવે ઈશાને શુભમન ગિલનો રેકોર્ડ તોડી નાખ્યો છે. આ મેચમાં ઈશાને શરૂઆતથી જ આક્રમક વલણ અપનાવ્યું.

ઈશાન કિશને યુવરાજને છોડ્યો પાછળ

ઈશાન કિશન હવે ભારત અને પાકિસ્તાન વચ્ચેની T20 ઈન્ટરનેશનલ મેચમાં અડધી સદી ફટકારનાર ત્રીજો સૌથી ઝડપી બેટ્સમેન બની ગયો છે. તેને આ રેકોર્ડમાં યુવરાજ સિંહને પાછળ છોડી દીધો છે. યુવરાજે 2012માં પાકિસ્તાન સામે 29 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી. ભારત અને પાકિસ્તાન વચ્ચેની T20 ઈન્ટરનેશનલ મેચમાં સૌથી ઝડપી અડધી સદીનો રેકોર્ડ મોહમ્મદ હાફીઝના નામે છે. તેને 2012 માં ભારત સામે 23 બોલમાં અડધી સદી ફટકારી હતી.

આ પણ વાંચો: Nepalએ પાકિસ્તાનને છોડ્યું પાછળ, T20 વર્લ્ડકપમાં સર્જાયો મોટો અપસેટ

  • Follow us on: