T20 વર્લ્ડકપ 2026 માટે ટીમની જાહેરાત થોડા અઠવાડિયા પહેલા કરવામાં આવી હતી. જીતેશ શર્માનું નામ ટીમમાં સામેલ ન હોવાથી ફેન્સને આશ્ચર્ય થયું. જીતેશ અગાઉ ટીમ ઈન્ડિયાની ટીમનો નિયમિત ભાગ હતો અને તેને લોઅર મિડલ ઓર્ડરમાં રમવાની તક આપવામાં આવી હતી.
મોટી ટુર્નામેન્ટ પહેલા જ તેને બહાર કરી દેવામાં આવ્યો તે આશ્ચર્યજનક હતું. હવે જીતેશે આખરે પોતાનું મૌન તોડ્યું છે અને ખુલાસો કર્યો છે કે વર્લ્ડકપ ટીમમાં પસંદગી ન થતાં તેનું દિલ તૂટી ગયું હતું.
'મારું દિલ તૂટી ગયું': જીતેશ શર્મા
જીતેશ શર્માએ તાજેતરમાં T20 વર્લ્ડકપ 2026 માટે ટીમ ઈન્ડિયાની ટીમમાંથી બહાર રહેવા અંગે ખુલાસો કર્યો. મીડિયા સાથે વાત કરતા તેને કહ્યું કે "મારું દિલ તૂટી ગયું હતું. મેં ICC T20 વર્લ્ડકપમાં રમવા માટે ખૂબ મહેનત કરી હતી. પરંતુ ભાગ્ય મારા પક્ષમાં ન હતું અને હું તેનાથી બચી શક્યો નહીં. તે સમયે હું સુન્ન અને નિરાશ હતો. મારા પરિવાર સાથે સમય વિતાવવા અને દિનેશ કાર્તિક સાથે વાત કરવાથી મને આગળ વધવામાં મદદ મળી."
જીતેશને પસંદગી થવાની આશા હતી
વાતચીત દરમિયાન જીતેશ શર્માએ એ પણ ખુલાસો કર્યો કે તેને ટીમમાં પસંદગી થવાની અપેક્ષા હતી અને તેને ખબર ન હતી કે તેને બહાર રાખવામાં આવશે. તેને કહ્યું કે "ટીમની જાહેરાત થાય તે પહેલાં, મને ખબર પણ ન હતી કે મને બહાર રાખવામાં આવ્યો છે. જ્યારે સિલેક્ટર્સે પછી પ્રેસ કોન્ફરન્સમાં જવાબ આપ્યો, ત્યારે હું તેમની સાથે સંમત થયો. તેમની પાસે વાજબી કારણ હતું. બાદમાં, મેં કોચ અને સિલેક્ટર્સ સાથે વાત કરી. મને લાગ્યું કે મારા બહાર રહેવાનું કારણ વાજબી હતું. તેમને મને જે સમજાવ્યું તે હું સમજી ગયો."
T20 ઈન્ટરનેશનલ મેચોમાં જીતેશનું પ્રદર્શન
જીતેશ શર્માએ અત્યાર સુધીમાં ભારત માટે 16 T20 મેચ રમી છે. તેને 12 ઈનિંગમાં 162 રન બનાવ્યા છે, જેમાં 3 નોટઆઉટ સ્કોરનો સમાવેશ થાય છે. તેમનો સ્ટ્રાઈક રેટ 151.40 છે અને તેમનો હાઈએસ્ટ સ્કોર 35 છે. તેને મુખ્યત્વે ટીમ ઈન્ડિયા માટે ફિનિશરની ભૂમિકા ભજવી છે.
આ પણ વાંચો: Virat Kohliએ સચિન તેંડુલકરને આ મામલે છોડ્યા પાછળ, 17 વર્ષ પછી કોઈ ભારતીયે મેળવી આ સિદ્ધિ