ટીમ ઈન્ડિયાએ ન્યુઝીલેન્ડ સામેની પહેલી વનડે 4 વિકેટથી જીતી લીધી હતી. આ મેચમાં ભારતીય ટીમે 301 રનનો ટાર્ગેટ 6 બોલ બાકી રહેતા હાંસલ કરી લીધો હતો. ટીમ ઈન્ડિયા માટે આ રન ચેઝમાં વિરાટ કોહલીએ ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. તેને આ મેચમાં 93 રનની જોરદાર ઈનિંગ રમી હતી અને સદી ફટકારવાથી માત્ર 7 રન દૂર રહી ગયો હતો.
કિવી બોલરો તેની સામે હેરાન થતાં જોવા મળ્યા હતા. આ દરમિયાન મેચ સમાપ્ત થયા પછી કિવી બોલર કાયલ જેમિસને વિરાટ કોહલી વિશે મોટું નિવેદન આપ્યું. તેને કહ્યું કે વિરાટ જેવા બેટ્સમેનને કાબૂમાં રાખવું કોઈપણ બોલર માટે સરળ નથી. આ મેચમાં જેમિસને વિરાટને આઉટ કર્યો હતો.
કાયલ જેમિસને વિરાટ કોહલી વિશે આપ્યું મોટું નિવેદન
મીડિયા રિપોર્ટ મુજબ ન્યુઝીલેન્ડના ફાસ્ટ બોલર કાયલ જેમિસને મેચ પછીની પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે "વિરાટનું આ બેસ્ટ પ્રદર્શન છે કે નહીં તે કહેવું મુશ્કેલ છે. તે ઘણા સમયથી આટલું સારું પ્રદર્શન કરી રહ્યો છે. જ્યારે પણ તમે તેનો સામનો કરો છો, ત્યારે તમને લાગે છે કે તેની સાથે સ્પર્ધા કરવા માટે તમારે તમારા બેસ્ટ પ્રદર્શન કરવાની જરૂર છે. તે એક અલગ લેવલનો ખેલાડી છે અને મોટાભાગે સારા ફોર્મમાં હોય છે."
વિરાટ માટે ખાસ યોજના બનાવવી પડશે - જેમીસન
ઝડપી બોલરે વધુમાં કહ્યું કે કોહલી જેવા ખેલાડીઓને રોકવા માટે તમારે એક ચોક્કસ રણનીતિ અને એક અનોખી યોજના વિકસાવવી પડશે. પરંતુ તેના જેવા મહાન બેટ્સમેનોને રોકી શકાતા નથી. તે ચોક્કસ વર્ચસ્વ જાળવી રાખે છે, તેથી મને તેને રમતા જોવાની મજા આવી. જેમીસન ઈજાને કારણે ઘણી વખત રાષ્ટ્રીય ટીમમાંથી બહાર રહ્યો છે. તે IPLમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ ટીમનો ભાગ રહ્યો છે, જ્યાં તેને વિરાટ કોહલી સાથે ડ્રેસિંગ રૂમ શેર કર્યો હતો.
કાયલ જેમિસને પહેલી વનડેમાં ઈકોનોમિક બોલિંગ કરી
પ્રથમ વનડેમાં કાયલ જેમિસનનું પ્રદર્શન ઈકોનોમિક રહ્યું, તેને 10 ઓવરમાં 41 રન આપ્યા. તેને એક મેડન ઓવર નાખી અને 4 વિકેટ લીધી. આદિત્ય અશોક અને ક્રિસ ક્લાર્કે 1-1 વિકેટ લીધી. બાકીના કિવી બોલરો નિષ્ફળ ગયા, તેમને ફક્ત રન આપ્યા, જેના કારણે તેમની હાર થઈ.
આ પણ વાંચો: Vaibhav Suryavanshiનો વર્લ્ડકપ પહેલા ફ્લોપ શો, ઈંગ્લેન્ડ સામે મોટી ઈનિંગ રમવામાં નિષ્ફળ