ટી-20 વર્લ્ડ કપની સૌથી પ્રતિષ્ઠિત અને નિર્ણાયક ગણાતી ભારત-પાકિસ્તાન મેચ પર હવે સંકટના વાદળો ઘેરાયા છે. કરોડો ક્રિકેટ ચાહકો જે મેચની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, તે રવિવારના મુકાબલામાં મેઘરાજા વિઘ્ન બની શકે છે. ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આ મેચને લઈને મોટી આગાહી કરી છે.


ચાલુ મેચ દરમિયાન વરસાદની પૂરેપૂરી શક્યતા

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, રવિવારે રમાનારી આ મેચ દરમિયાન વરસાદ ખાબકી શકે છે. અંબાલાલ પટેલની આગાહી અનુસાર, કોલંબોમાં રવિવારે વાતાવરણ ભારે વાદળછાયું રહેશે અને ચાલુ મેચ દરમિયાન વરસાદ પડવાની પૂરેપૂરી શક્યતા છે. આ વરસાદને કારણે મેચમાં વિક્ષેપ પડી શકે છે અથવા મેચ ખોરવાઈ શકે તેવી પણ ભીતિ છે. જોકે, મેચ રમાશે કે નહીં તે અંગે કહીં શકાય નહીં, તેમ તેમણે જણાવ્યું હતું.

વર્લ્ડ કપ માટે અત્યંત નિર્ણાયક મેચ

ટી-20 વર્લ્ડ કપના સમીકરણોને ધ્યાનમાં રાખીએ તો ભારત અને પાકિસ્તાન બંને માટે આ જીત અત્યંત અનિવાર્ય છે. જો વરસાદને કારણે મેચ ધોવાઈ જાય, તો પોઈન્ટ ટેબલ પર તેની સીધી અસર પડશે, જે બંને ટીમોની આગળની સફર માટે મુશ્કેલી સર્જી શકે છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ કોલંબોમાં વરસાદને કારણે મેચો પ્રભાવિત થઈ છે, ત્યારે અંબાલાલની આ આગાહીએ ક્રિકેટ રસિકોના શ્વાસ અદ્ધર કરી દીધા છે. હાલમાં સોશિયલ મીડિયા પર પણ કોલંબોના હવામાનને લઈને વિવિધ ચર્ચાઓ ચાલી રહી છે. હવે જોવાનું એ રહેશે કે રવિવારે મેઘરાજા ખમૈયા કરે છે કે પછી ફેન્સની આશા પર પાણી ફેરવે છે.

આ પણ વાંચો - Ind Vs Pak: આ ખેલાડીથી થર થર કાંપે છે પાકિસ્તાન, છોડાવશે છક્કા


  • Follow us on: