બાંગ્લાદેશના ફાસ્ટ બોલર મુસ્તફિઝુર રહેમાન છેલ્લા કેટલાક દિવસોથી ચર્ચામાં છે. BCCIના નિર્દેશોનું પાલન કરીને કોલકાતા નાઈટ રાઈડર્સે મુસ્તફિઝુરને રિલીઝ કર્યો છે. KKR એ તેને IPL 2026 સીઝન માટે 9.2 કરોડ રૂપિયાની મોટી રકમમાં ખરીદ્યો હતો, પરંતુ હવે તેને ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો છે.


આ દરમિયાન મુસ્તફિઝુર રહેમાનને હવે IPLમાંથી બહાર કર્યા પછી વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. ભલે મુસ્તફિઝુરનો IPL કરાર સમાપ્ત કરવામાં કોઈ વાંક ન હતો, તેમ છતાં તેને KKR તરફથી એક પણ પૈસો મળશે નહીં.

મુસ્તફિઝુર રહેમાનને એક પણ પૈસો ન મળ્યો!

KKRએ IPL 2026ના મીની-ઓક્શનમાં મુસ્તફિઝુર રહેમાનને 9.20 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો, પરંતુ સોશિયલ મીડિયા પર વધતા વિવાદને પગલે BCCIએ તેને લીગમાંથી દૂર કરવાનો નિર્ણય લીધો. પરંતુ મુસ્તફિઝુરને કોઈ વળતર મળે તેવી શક્યતા નથી.


મુસ્તફિઝુર સ્વેચ્છાએ IPLમાંથી ખસી ગયો નથી કે તેને કોઈ ખોટું કામ કર્યું નથી જેના કારણે તેને ટુર્નામેન્ટમાંથી બહાર કરવામાં આવે. આમ છતાં રિસ્થિતિ એવી બની ગઈ છે કે તેને KKR તરફથી એક પણ પૈસો મળશે નહીં.

મુસ્તફિઝુરને વળતર કેમ નહીં મળે?

મીડિયા રિપોર્ટ મુજબ આઈપીએલના એક સૂત્રએ જણાવ્યું હતું કે "બધા આઈપીએલ ખેલાડીઓના પગારનો વીમો લેવામાં આવે છે. ઈન્ટરનેશનલ ખેલાડીઓના કિસ્સામાં જો તેઓ કેમ્પમાં હાજરી આપ્યા પછી અથવા ટુર્નામેન્ટ દરમિયાન ઘાયલ થાય છે, તો ફ્રેન્ચાઈઝી સામાન્ય રીતે ચૂકવણી કરે છે."

મીડિયા રિપોર્ટ મુજબ "સામાન્ય રીતે જો કોઈ ખેલાડી ઈજાને કારણે ટુર્નામેન્ટમાંથી બહાર થઈ જાય અને તેનો કરાર વીમો કરાયેલ હોય, તો તેને લગભગ 50% રકમ મળે છે." પરંતુ મુસ્તફિઝુર રહેમાનનો કેસ સામાન્ય વીમા નિયમો હેઠળ આવતો નથી, કારણ કે તેને ઈજા અથવા લીગમાં તેની ભાગીદારી સંબંધિત કોઈપણ ક્રિકેટ-સંબંધિત કારણોસર ટીમમાંથી દૂર કરવામાં આવ્યો ન હતો, તેથી KKR તેને કોઈપણ પૈસા ચૂકવવા માટે બંધાયેલ નથી.

BCBએ મુસ્તફિઝુરનું NOC રદ્દ કર્યું

બીસીસીઆઈના નિર્ણય બાદ બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે પણ મુસ્તફિઝુરનું આઈપીએલમાં રમવા માટે નો-ઓબ્જેક્શન સર્ટિફિકેટ પાછું ખેંચી લીધું છે. મીડિયા રિપોર્ટ મુજબ ખેલાડી વાંધો ઉઠાવે તો પણ KKR પાસે તેને ચૂકવણી ન કરવા માટે મજબૂત કારણો છે. સૂત્રોએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે NOC પાછી ખેંચી લીધા પછી KKR કોઈપણ ચુકવણી કરવા માટે બંધાયેલ નથી.

બીજા એક મોટા પગલામાં બાંગ્લાદેશ સરકારે દેશમાં IPLના ટેલિકાસ્ટ પર પ્રતિબંધ મૂક્યો છે. વધુમાં બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે ICCને પત્ર લખીને માગ કરી છે કે તેમની T20 વર્લ્ડકપ 2026ની મેચો ભારતને બદલે શ્રીલંકામાં યોજવામાં આવે.

આ પણ વાંચો: Rohit Sharma ધૂમ મચાવવા માટે કરી રહ્યો છે ખાસ તૈયારીઓ


  • Follow us on: