નેશનલ સ્પોર્ટ્સ બિલ અને Anti-doping Amendment Bill લોકસભામાં પસાર થયું. ભારતીય ક્રિકેટ નિયંત્રણ બોર્ડ એટલે કે BCCI પણ રાષ્ટ્રીય રમતગમત બિલના કાર્યક્ષેત્રમાં આવી ગયું છે.યુવા બાબતો અને રમતગમત મંત્રી મનસુખ માંડવિયાએ 11 ઓગસ્ટના રોજ લોકસભામાં આ બંને બિલ રજૂ કર્યા. આ બંને બિલનો ઉદ્દેશ્ય ભવિષ્યમાં ભારતને રમતગમત મહાસત્તા બનાવવાનો છે.
નેશનલ સ્પોર્ટ્સ બિલનો મુખ્ય ઉદ્દેશ્ય દેશમાં તમામ રમતોના સંચાલનને નિયંત્રિત કરવાનો છે. હવે સ્પોર્ટ્સ બિલ પસાર થયા પછી નેશનલ સ્પોર્ટ્સ બોર્ડની રચના કરવામાં આવશે, જે BCCI સહિત તમામ રમતગમત ફેડરેશન પર નજર રાખશે. ક્રિકેટ પણ લોસ એન્જલસ ઓલિમ્પિક 2028નો એક ભાગ બનવા જઈ રહ્યું છે.
આ કારણે BCCI ને નેશનલ રમત સંગઠન તરીકે પણ રજિસ્ટ્રેશન કરાવવું પડશે. સ્પોર્ટ્સ બિલ હેઠળ એક નેશનલ સ્પોર્ટ્સ ટ્રિબ્યુનલની પણ રચના કરવામાં આવશે, જેને સિવિલ કોર્ટ જેવી જ સત્તાઓ હશે. આ ટ્રિબ્યુનલ સિલેક્શન પ્રક્રિયા અને ચૂંટણીઓ સંબંધિત વિવાદોનું સમાધાન કરશે. તેના નિર્ણયો સામે અપીલ ફક્ત સુપ્રીમ કોર્ટમાં જ કરી શકાય છે.
રોજર બિન્ની આ પદ પર રહેશે
BCCI માટે રાહતની વાત એ છે કે રમતગમત બિલ વહીવટકર્તાઓ માટે વય મર્યાદામાં પણ છૂટ આપે છે. 70 થી 75 વર્ષની વયના લોકો જો ઈન્ટરનેશનલ સંગઠનની પરવાનગી મેળવે તો સ્પોર્ટ્સ સંગઠનની ચૂંટણી લડી શકે છે. આનો અર્થ એ થયો કે વર્તમાન BCCI પ્રમુખ રોજર બિન્ની તેમના પદ પર રહી શકે છે. રોજર બિન્ની આ વર્ષે 19 જુલાઈના રોજ 70 વર્ષના થયા.
નેશનલ સ્પોર્ટ્સ બિલના પ્રારંભિક મુસદ્દામાં BCCI ને RTIના દાયરામાં લાવવાની જોગવાઈ હતી, પરંતુ BCCI કેન્દ્ર સરકારના ભંડોળ પર નિર્ભર નથી, તેથી આ કલમ દૂર કરવામાં આવી. અન્ય તમામ નિયમો BCCIને અન્ય રમત સંગઠનોની જેમ લાગુ પડશે.
ડોપિંગ વિરોધી બિલમાં શું જોગવાઈઓ છે?
WADA (વર્લ્ડ એન્ટી-ડોપિંગ એજન્સી) ના વાંધાઓને દૂર કરવા માટે નેશનલ ડોપિંગ વિરોધી સુધારા બિલને સુધારેલા સ્વરૂપમાં લોકસભામાં રજૂ કરવામાં આવ્યું હતું . નેશનલ ડોપિંગ વિરોધી બિલ 2022 માં પસાર થયું હતું, પરંતુ WADA ના વાંધાને કારણે તે પછી અમલમાં મૂકવામાં આવ્યું ન હતું. WADA એ વાતથી ખુશ ન હતું કે તેના હેઠળ રમતગમતમાં ડોપિંગ વિરોધી રાષ્ટ્રીય બોર્ડ બનાવવામાં આવ્યું હતું.
આ બોર્ડમાં એક અધ્યક્ષ અને બે સભ્યો હશે, જેમની નિમણૂક કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવશે. આ બોર્ડને NADA પર દેખરેખ રાખવા અને સૂચનાઓ આપવાનો અધિકાર હશે. WADA એ આ જોગવાઈને સ્વાયત્ત સંસ્થામાં સરકારી હસ્તક્ષેપ તરીકે ગણાવી હતી. સુધારેલા બિલમાં આ બોર્ડને જાળવી રાખવામાં આવ્યું છે, પરંતુ હવે તેને NADA પર દેખરેખ રાખવાનો કે સલાહ આપવાનો અધિકાર રહેશે નહીં. સુધારેલા બિલમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે NADA ને સંપૂર્ણપણે સ્વતંત્ર રીતે કામ કરવાનો અધિકાર રહેશે.