પૃથ્વી શોએ પોતાના ક્રિકેટ કરિયરને લઈને એક મોટો નિર્ણય લીધો છે. તે હવે 2025-26ની ડોમેસ્ટિક સીઝનમાં મહારાષ્ટ્ર તરફથી રમતો જોવા મળશે. પહેલા શો ડોમેસ્ટિક ક્રિકેટમાં મુંબઈ તરફથી રમતો હતો, પરંતુ તે છેલ્લા એક વર્ષથી મુંબઈ ટીમની બહાર છે.
ખરાબ ફિટનેસને કારણે તેને ટીમમાં સ્થાન મળી રહ્યું ન હતું. આ કારણે તેને હવે આ મોટું પગલું ભર્યું છે. હવે શો ડોમેસ્ટિક ક્રિકેટમાં નવી ટીમ તરફથી રમતો જોવા મળશે.
ઋતુરાજ ગાયકવાડ સાથે રમતા જોવા મળશે પૃથ્વી શો
ડોમેસ્ટિક ક્રિકેટમાં મહારાષ્ટ્રનું નેતૃત્વ ઋતુરાજ ગાયકવાડ કરતો જોવા મળશે, તે IPLમાં ચેન્નાઈ સુપર કિંગ્સનું પણ નેતૃત્વ કરે છે. આવામાં પૃથ્વી શો CSK કેપ્ટન ગાયકવાડ સાથે ઓપનિંગ કરતો જોવા મળી શકે છે. શો સ્થાનિક ક્રિકેટમાં સારું પ્રદર્શન કરીને ટીમ ઈન્ડિયામાં વાપસી કરવાનો પ્રયાસ કરશે.
પૃથ્વી શો IPL 2026 માં પણ વાપસી કરતો જોવા મળી શકે છે. પૃથ્વી છેલ્લા IPL ઓક્શનમાં વેચાયો ન હતો. મેગા ઓક્શનમાં તેને કોઈપણ ફ્રેન્ચાઈઝી દ્વારા ખરીદવામાં આવ્યો ન હતો. હવે તે સ્થાનિક ક્રિકેટમાં મહારાષ્ટ્ર માટે કેવું પ્રદર્શન કરે છે તે જોવાનું રહેશે.
ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં પૃથ્વી શોનો શું છે રેકોર્ડ
ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં પૃથ્વી શોના આંકડા ઘણા સારા છે. ત્યાં તેને અત્યાર સુધીમાં 58 મેચ રમી છે, જેમાં તેને 46.02 ની એવરેજથી 4556 રન બનાવ્યા છે. ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં તેના નામે 13 સદી અને 18 અડધી સદી છે. પૃથ્વી શોએ લિસ્ટ A ક્રિકેટમાં 65 મેચ રમી છે. આ દરમિયાન તેને 55.72 ની એવરેજથી 3399 રન બનાવ્યા છે. તેને T20 ફોર્મેટમાં 117 મેચ રમી છે. ત્યાં તેને 25.01 ની એવરેજથી 2902 રન બનાવ્યા છે. જો શો આગામી ઘરેલુ સિઝનમાં સારું પ્રદર્શન કરે છે, તો તે ફરીથી ટીમ ઈન્ડિયામાં વાપસી કરી શકે છે. પૃથ્વી શોએ ભારત માટે તેની છેલ્લી મેચ જુલાઈ 2021 માં રમી હતી.