સાઉથ આફ્રિકાના નવનિયુક્ત કેપ્ટન વિઆન મુલ્ડર ઝિમ્બાબ્વેની ધરતી પર એવી ઈનિંગ રમી છે જેને ટેસ્ટ ક્રિકેટમાં કોઈ ક્યારેય ભૂલી શકશે નહીં. ઝિમ્બાબ્વે સામે રમાઈ રહેલી બીજી ટેસ્ટ મેચમાં વિઆન મુલ્ડરનું બેટ અટકતું નથી. બીજા દિવસના લંચ બ્રેક સુધીમાં, મુલ્ડરે 367 રન બનાવીને ક્રિકેટના સૌથી લાંબા ફોર્મેટની રેકોર્ડ બુકનો નાશ કર્યો છે.


વિઆન મુલ્ડર ટેસ્ટ ક્રિકેટમાં કેપ્ટન તરીકે ત્રેવડી સદી અને 350 રન બનાવનાર પહેલો કેપ્ટન બન્યો છે. તેને 67 વર્ષ જૂનો રેકોર્ડ પણ તોડી નાખ્યો છે.

વિઆન મુલ્ડરે રમી સૌથી મોટી ઈનિંગ

વિઆન મુલ્ડર ઘરની બહાર રમતી વખતે સૌથી મોટી ઈનિંગ રમનાર બેટ્સમેન બની ગયો છે. તેને 67 વર્ષ જૂનો રેકોર્ડ તોડી નાખ્યો છે. 338 રન બનાવીને મુલ્ડરે હનીફ મોહમ્મદનો રેકોર્ડ તોડી નાખ્યો. ભૂતપૂર્વ પાકિસ્તાની બેટ્સમેનએ 1958માં વિદેશી ધરતી પર 337 રનની શાનદાર ઈનિંગ રમી હતી. ટેસ્ટમાં વિદેશી ધરતી પર રમતી વખતે સૌથી મોટી ઈનિંગનો રેકોર્ડ હવે વિઆન મુલ્ડરના નામે નોંધાયો છે.


આ સાથે વિઆન મુલ્ડર એક ટેસ્ટની બંને ઈનિંગમાં સાઉથ આફ્રિકા માટે સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બની ગયો છે. ગ્રીમ સ્મિથે 2003માં ઈંગ્લેન્ડ સામે રમાયેલી ટેસ્ટ મેચમાં બંને ઈનિંગ્સમાં 385 રન બનાવ્યા હતા. આ સાથે તે ટેસ્ટ ઈનિંગમાં સૌથી વધુ રન બનાવનાર પ્રોટીઝ બેટ્સમેન પણ બની ગયો છે. પરંતુ વિઆન મુલ્ડરે એક ઈનિંગના સ્કોર સાથે સ્મિથને પાછળ છોડી દીધો છે. મુલ્ડર 367 રન બનાવ્યા પછી પણ ક્રીઝ પર છે.

બ્રુક-હેડનનો રેકોર્ડ થયો ચકનાચૂર

વિઆન મુલ્ડરે હેરી બ્રુક અને મેથ્યુ હેડનનો રેકોર્ડ પણ તોડી નાખ્યો છે. વિઆન મુલ્ડરે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી ઝડપી ત્રેવડી સદી ફટકારનારા બેટ્સમેનોના લિસ્ટમાં બીજા સ્થાને પહોંચી ગયો છે. વિઆન મુલ્ડરે 287 બોલમાં પોતાની ત્રેવડી સદી પૂરી કરી હતી. 2024માં પાકિસ્તાન સામે રમતી વખતે હેરી બ્રુકે 310 બોલમાં ત્રેવડી સદી ફટકારી હતી. 2003માં મેથ્યુ હેડને 362 બોલમાં ત્રેવડી સદી ફટકારી હતી. આ લિસ્ટમાં વીરેન્દ્ર સેહવાગનું નામ ટોપ પર છે, જેને 278 બોલમાં પોતાની ત્રેવડી સદી પૂરી કરી હતી.

  • Follow us on: