IPL 2025માં પોતાની બેટિંગથી ધૂમ મચાવ્યા પછી 14 વર્ષના બેટ્સમેન વૈભવ સૂર્યવંશી ચર્ચામાં છે. વૈભવે તેના પ્રદર્શન માટે શાનદાર પ્રશંસા મેળવી છે. બિહારના આ પુત્રએ ફરી એકવાર તેના વતનમાં પોતાની બેટિંગથી ધૂમ મચાવી દીધી છે.
વૈભવ ભલે સદી ચૂકી ગયો હોય, પરંતુ તેની 67 બોલની ઈનિંગમાં તેને રણજી ટ્રોફી મેચ જોનારા ફેન્સને T20 જેવો અનુભવ આપ્યો. તેને 9 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકાર્યા.
વૈભવ સૂર્યવંશીએ મચાવી ધૂમ
વૈભવ સૂર્યવંશી રણજી ટ્રોફી 2025માં મેઘાલય સામેની મેચમાં બિહાર તરફથી રમ્યો હતો. મેઘાલયે 7 વિકેટ ગુમાવીને 407 રન બનાવ્યા બાદ પોતાની પહેલી ઈનિંગ ડિકલેર કરી હતી. ત્યારબાદ વૈભવે અર્નબ સાથે બિહાર માટે ઈનિંગની શરૂઆત કરી. 14 વર્ષના ખેલાડીએ પહેલા જ બોલથી તે જ સ્ટાઈલમાં બેટિંગ કરી જેના માટે તે સમગ્ર વિશ્વ ક્રિકેટમાં ફેમસ થયો છે.
વૈભવે મેઘાલયના બોલરોને સંઘર્ષમાં મુક્યા હતા. તેને માત્ર 67 બોલમાં 93 રનની વિસ્ફોટક ઈનિંગ રમી હતી. આ ઈનિંગ દરમિયાન વૈભવે 138ના સ્ટ્રાઈક રેટથી રમ્યો, જેમાં 9 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકાર્યા. ટેસ્ટ ફોર્મેટમાં વૈભવ T20 સ્ટાઈલમાં રમ્યો અને ચોગ્ગા અને છગ્ગા ફટકાર્યા.
ઈતિહાસ રચવાની તક
વૈભવની ધમાકેદાર બેટિંગ જોવા આવેલા ફેન્સ નિરાશ થયા હતા કારણ કે 14 વર્ષનો બેટ્સમેન તેની સદી સુધી પહોંચી શક્યો ન હતો. વૈભવ ઈતિહાસ રચવાની અણી પર હતો, પરંતુ 7 રનથી પાછળ રહી ગયો. જો તેને પોતાની સદી હાંસલ કરી હોત, તો તે ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાં સદી ફટકારનાર સૌથી નાની ઉંમરનો બેટ્સમેન બન્યો હોત. હાલમાં આ રેકોર્ડ ધ્રુવ પાંડોવનો છે, જેણે 1988માં 14 વર્ષ અને 293 દિવસની ઉંમરે સદી ફટકારી હતી. આ દરમિયાન વૈભવ આ મેચમાં રમ્યો ત્યારે તેની ઉંમર 14 વર્ષ અને 222 દિવસ હતી.