આગામી રણજી ટ્રોફી સીઝન 15 ઓક્ટોબરથી શરૂ થવાની છે. સીઝન શરૂ થાય તે પહેલાં મુંબઈ અને મહારાષ્ટ્ર વચ્ચે ત્રણ દિવસની પ્રેક્ટિસ મેચ રમાઈ રહી છે. આ મેચમાં યુવા બેટ્સમેન પૃથ્વી શોએ મહારાષ્ટ્ર માટે શાનદાર સદી ફટકારી હતી.


પરંતુ પૃથ્વી શોએ તેની ભૂતપૂર્વ ટીમ મુંબઈના ખેલાડીઓ સાથે ઝઘડો કર્યો. પરિસ્થિતિ એટલી વણસી ગઈ કે એમ્પાયરને ખેલાડીઓને શાંત કરવા માટે વચ્ચે પડવું પડ્યું.

પૃથ્વી શોને મુશીર ખાને કર્યો આઉટ

આ વોર્મ-અપ મેચમાં પૃથ્વી શોને સરફરાઝ ખાનના ભાઈ મુશીર ખાને આઉટ કર્યો હતો. શો તેની બોલિંગ પર મોટો શોટ રમવા માગતો હતો, પરંતુ મોટો શોટ મારવાનો પ્રયાસ કરવાને બદલે તે બાઉન્ડ્રી પાસે કેચ થઈ ગયો. મુશીર ખાન અને પૃથ્વી શો વચ્ચે દલીલ થઈ. મુંબઈના ખેલાડીઓએ પૃથ્વી શોને ચારેબાજુથી ઘેરી લીધો. ત્યારબાદ અમ્પાયરે વચ્ચે પડવું પડ્યું અને મુશીર અને પૃથ્વી શોને અલગ કર્યા. જ્યારે પૃથ્વી શો ડ્રેસિંગ રૂમમાં પરત ફરી રહ્યો હતો, ત્યારે તેનો સિદ્ધેશ લાડ સાથે પણ ઝઘડો થયો. ત્યારબાદ અમ્પાયરે પરિસ્થિતિને મધ્યસ્થી કરવા માટે વચ્ચે પડવું પડ્યું.


પૃથ્વી શો 181 રન બનાવીને થયો આઉટ

આ વોર્મ-અપ મેચમાં પૃથ્વી શોએ તેની ભૂતપૂર્વ ટીમ સામે શાનદાર બેટિંગ કરી અને શાનદાર સદી ફટકારી. તેને 220 બોલમાં 21 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકારીને 181 રન બનાવ્યા. પૃથ્વી શો લાંબા સમયથી ભારતીય ટીમથી દૂર છે. તે ભારત માટે ત્રણેય ફોર્મેટમાં રમી ચૂક્યો છે, પરંતુ તે લાંબા સમય સુધી ટીમમાં પોતાનું સ્થાન સ્થાપિત કરવામાં નિષ્ફળ રહ્યો. તેને પોતાના ટેસ્ટ ડેબ્યૂમાં શાનદાર સદી ફટકારી.

ઘણી વખત વિવાદોમાં ફસાઈ ચૂક્યો છે પૃથ્વી શો

પૃથ્વી શોનો વિવાદોનો લાંબો ઈતિહાસ છે. થોડા વર્ષો પહેલા તે એક યુટ્યુબર સાથે વિવાદમાં ફસાયો હતો. આ ઝઘડાનો એક વીડિયો સામે આવ્યો હતો, જેમાં પૃથ્વી શો શેરીમાં ઝપાઝપી કરતો જોવા મળ્યો હતો. આ મામલે તેની સામે પોલીસ ફરિયાદ પણ દાખલ કરવામાં આવી હતી. પૃથ્વી શો લાંબા સમયથી ટીમ ઈન્ડિયાની બહાર છે અને ઘરેલુ ક્રિકેટમાં સારું પ્રદર્શન કરીને ભારતીય ટીમમાં પરત ફરવા માગે છે. IPL 2025 પહેલા યોજાયેલી મેગા ઓક્શનમાં પણ તે વેચાયો ન હતો.

  • Follow us on: