ટીમ ઈન્ડિયા અને RCBના વિકેટકીપર બેટ્સમેન જીતેશ શર્માએ IPL 2025માં શાનદાર પ્રદર્શન કર્યું. તેના શાનદાર પ્રદર્શનને કારણે RCB પોતાનું પહેલું IPL ટાઈટલ જીતવામાં સફળ રહી.
IPLમાં છાપ છોડ્યા બાદ જીતેશ શર્મા હવે ઘરેલુ ક્રિકેટમાં સારું પ્રદર્શન કરવા માગે છે. આ દરમિયાન આગામી ઘરેલુ સિઝન પહેલા તેને એક મોટો નિર્ણય લીધો છે. જીતેશ શર્માએ હવે ઘરેલુ ક્રિકેટમાં પોતાની ટીમ બદલી છે.
આ ટીમ તરફથી રમશે જીતેશ શર્મા
જીતેશ શર્મા હવે ડોમેસ્ટિક ક્રિકેટમાં બરોડા તરફથી રમતા જોવા મળશે. મીડિયા રિપોર્ટ મુજબ જીતેશ શર્મા ઘણા સમયથી બરોડા ટીમમાં જોડાવાનો પ્લાન બનાવી રહ્યો હતો. બરોડાનો કેપ્ટન કૃણાલ પંડ્યા છે અને બંને IPLમાં RCB માટે રમે છે, બંને વચ્ચે ખૂબ સારી મિત્રતા છે. આ કારણે જીતેશ શર્માને ટીમ બદલવામાં કોઈ સમસ્યા ન હતી.
જીતેશ શર્માને મળી ન હતી તક
તમને જણાવી દઈએ કે 31 વર્ષના જીતેશને રણજી ટ્રોફી 2024-25માં એક પણ મેચ રમવાની તક મળી ન હતી. જીતેશ વિદર્ભના કેપ્ટન અક્ષય વાડકરના બેકઅપ તરીકે ટીમનો ભાગ રહ્યો. સતત તકો ન મળવાને કારણે તેને હવે આ નિર્ણય લીધો છે. પરંતુ જ્યારે કરુણ નાયરને વ્હાઈટ-બોલ ક્રિકેટમાં આ ટીમની જવાબદારી સોંપવામાં આવી ત્યારે તેને કેટલીક મેચોમાં રમવાની તક મળી. પરંતુ તે ટીમનો નિયમિત સભ્ય બની શક્યો નહીં.
આગામી સિઝનમાં બરોડા માટે સારું પ્રદર્શન કરીને જીતેશ શર્મા ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં પોતાનું સ્થાન સુરક્ષિત કરી શકે છે. જીતેશ 2015 થી ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ રમી રહ્યો છે અને છેલ્લા 10 સિઝનમાં તે ફક્ત 18 મેચ રમી શક્યો છે. આ દર્શાવે છે કે ભારતના આ ઉભરતા વિકેટકીપર બેટ્સમેનને અત્યાર સુધી ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં ખૂબ ઓછી તકો મળી છે. તેને ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં પોતાની છેલ્લી મેચ 2024માં રમી હતી.
RCBના બીજા ખેલાડીએ ટીમ બદલી
આ સિવાય RCBના અન્ય એક ખેલાડી સ્વપ્નિલ સિંહે ઘરેલુ ક્રિકેટમાં ટીમમાં ફેરફાર કરવાનો નિર્ણય લીધો છે. તે હવે ત્રિપુરા માટે ઘરેલુ ક્રિકેટ રમશે. સ્વપ્નિલની વાત કરીએ તો તે રણજી ટ્રોફી 2024-25માં ઉત્તરાખંડ ટીમનો ભાગ હતો. ત્યાં તેને પાંચ મેચમાં 18 વિકેટ લીધી હતી. પરંતુ હવે તે નવી ટીમ માટે રમતો જોવા મળશે.