18 વર્ષની રાહ જોયા બાદ RCB ટીમે IPL ટ્રોફી પર કબજો કર્યો. જેમાં ભારતીય ખેલાડીઓનું મોટું યોગદાન હતું. ટીમના સુપરસ્ટાર ખેલાડી વિરાટ કોહલીને અન્ય ભારતીય ચહેરાઓએ પણ ટેકો આપ્યો હતો.


આ કારણે RCBની ટીમ ચેમ્પિયન બની શકી. આ ખેલાડીઓમાં વિકેટકીપર બેટ્સમેન જીતેશ શર્માનું નામ પણ સામેલ હતું. જીતેશે હવે IPL 2025 વિશે મોટો ખુલાસો કર્યો છે.

વિરાટ કોહલીથી દૂર રહેતો જીતેશ શર્મા

જીતેશ શર્મા IPL 2025ના ઓક્શનમાં પહેલી વાર RCB ટીમનો ભાગ બન્યો. આ સિઝનમાં જીતેશે તક મળતાં ટીમનું કેપ્ટનશીપ પણ સંભાળી અને દરેક મેચમાં વિકેટકીપર બેટ્સમેન તરીકે યોગદાન આપ્યું. વિરાટ કોહલી સાથે ડ્રેસિંગ રૂમ શેર કરવાના સવાલ પર જીતેશે મીડિયાને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું કે 'હું એક નાના શહેરમાંથી આવું છું, જ્યાં તમે તમારા સિનિયરોને ખૂબ માન આપો છો. તમે તેમની પર્સનલ લાઈફમાં દખલ કરતા નથી.

મારા માટે ફક્ત તેમની સાથે વાત કરવી એ મોટી વાત છે. હું વિરાટ ભાઈના કદને જાણું છું, તેથી હું તેમની પર્સનલ લાઈફમાં દખલ ન કરવાનો અથવા તેમને બિનજરૂરી રીતે ખલેલ પહોંચાડવાનો પ્રયાસ કરું છું. હું તેમની સાથે ફક્ત ક્રિકેટ વિશે વાત કરતો હતો. આદરથી મેં અંતર જાળવી રાખ્યું. હું તેમની સાથે ફક્ત કામ વિશે વાત કરવા માગતો હતો.'

જીતેશ શર્માએ બેટથી મચાવી ધૂમ

RCB એ જીતેશ શર્માને લગભગ 11 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. IPL 2025માં જીતેશે ફિનિશરની ભૂમિકા ભજવી હતી અને 261 રન બનાવ્યા હતા. આમાં લખનૌ સામે અણનમ 85 રનની ધમાકેદાર ઈનિંગ સામેલ છે. આ સિવાય જીતેશે જ્યારે પણ તક મળી ત્યારે ટૂંકી પરંતુ મહત્વપૂર્ણ ઈનિંગ રમી હતી. ઓક્શન પછી જ જીતેશ શર્મા વાઈસ કેપ્ટનની ભૂમિકા ભજવતો જોવા મળ્યો હતો. જ્યારે રજત પાટીદાર ઈજાગ્રસ્ત થયો ત્યારે તેને કેટલીક મેચોમાં કેપ્ટનશીપ સોંપવામાં આવી હતી.


  • Follow us on: