સાઉથ આફ્રિકાની ટીમ હાલમાં બે મેચની ટેસ્ટ સિરીઝ માટે ઝિમ્બાબ્વેના પ્રવાસે છે. ટેસ્ટ સિરીઝની બીજી અને અંતિમ મેચ 6 જુલાઈથી બુલાવાયોમાં રમાશે. આ મેચ પહેલા સાઉથ આફ્રિકન ટીમને મોટો ઝટકો લાગ્યો છે.
ટીમના સ્ટાર સ્પિનર કેશવ મહારાજ બીજી ટેસ્ટ મેચમાંથી બહાર થઈ ગયો છે. તે ગ્રોઈનની ઈજાને કારણે બીજી મેચ રમી શકશે નહીં. કેશવ મહારાજના સ્થાને આ મેચ માટે સેનુરન મુથુસામીને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. તે અત્યાર સુધી સાઉથ આફ્રિકા માટે 4 ટેસ્ટ મેચ રમી ચૂક્યો છે.
કેશૃવ મહારાજની ગેરહાજરીમાં વિઆન મુલ્ડર આ મેચમાં ટીમની કેપ્ટનશીપ કરશે. તમને જણાવી દઈએ કે વિઆન મુલ્ડર છેલ્લા ત્રણ ટેસ્ટ મેચમાં આફ્રિકન ટીમનો ત્રીજો કેપ્ટન હશે.
ટેમ્બા બાવુમાની કેપ્ટનશીપમાં સાઉથ આફ્રિકાએ જીત્યું હતું WTC ટાઈટલ
સાઉથ આફ્રિકાની ટીમે જૂનમાં લોર્ડમાં ઓસ્ટ્રેલિયા સામે WTCની ફાઈનલ રમી હતી. ટેમ્બા બાવુમાએ આ મેચમાં કેપ્ટનશીપ કરી હતી અને સાઉથ આફ્રિકાની ટીમે આ મેચમાં 5 વિકેટથી પોતાના નામે કરી હતી. ત્યારબાદ સાઉથ આફ્રિકાની ટીમનો સામનો ઝિમ્બાબ્વે સામે થયો, જ્યાં પહેલી મેચમાં કેશવ મહારાજે કેપ્ટનશીપ કરી હતી. તેની કેપ્ટનશીપમાં સાઉથ આફ્રિકાની ટીમે મેચને 328 રનથી જીતી લીધી હતી. ત્યારબાદ હવે ઝિમ્બાબ્વે સામે બીજી ટેસ્ટ મેચમાં વિઆન મુલ્ડર સાઉથ આફ્રિકા ટીમની કેપ્ટનશીપ કરતો જોવા મળશે. આ રીતે ત્રણ ટેસ્ટ મેચમાં સાઉથ આફ્રિકાની ટીમ સતત ત્રીજા કેપ્ટનની કેપ્ટનશીપમાં રમશે.
ઝિમ્બાબ્વે સામે પહેલી ટેસ્ટ મેચમાં કેશવ મહારાજે રચ્યો ઈતિહાસ
ઝિમ્બાબ્વે સામેની પહેલી ટેસ્ટ મેચમાં કેશવ મહારાજે ઈતિહાસ રચ્યો હતો. તે મેચમાં તેને પોતાના ટેસ્ટ કરિયરમાં 200 વિકેટ પૂરી કરી હતી. તે સાઉથ આફ્રિકા માટે ટેસ્ટમાં 200 વિકેટ લેનાર પહેલો સ્પિન બોલર બન્યો છે. તમને જણાવી દઈએ કે કેશવ મહારાજ પહેલા સાઉથ આફ્રિકા માટે 8 બોલરોએ 200 ટેસ્ટ વિકેટ લીધી હતી, પરંતુ તે બધા ફાસ્ટ બોલર હતા.
કેશવ મહારાજ વિશે વાત કરીએ તો, તેને પોતાના કરિયરમાં 59 ટેસ્ટ મેચ રમી છે જેમાં તેના નામે 203 વિકેટ છે. આ દરમિયાન તેને 11 વખત પાંચ વિકેટ અને એક વખત 10 વિકેટ લીધી છે. હવે એ જોવું રસપ્રદ રહેશે કે વિઆન મુલ્ડરની કેપ્ટનશીપમાં સાઉથ આફ્રિકાની ટીમ કેવું પ્રદર્શન કરે છે.