ICC T20 વર્લ્ડકપ 2026 માટે ક્વોલિફાય થનારી બધી ટીમોના નામ કન્ફર્મ થઈ ગયા છે. સ્કોટલેન્ડે નેપાળમાં રમાયેલી અંતિમ સુપર સિક્સ ક્વોલિફિકેશન મેચમાં યુનાઈટેડ સ્ટેટ્સને 41 રનથી હરાવીને ટુર્નામેન્ટની ફાઈનલ ટિકિટ મેળવી લીધી છે.


આ જીત સાથે સ્કોટલેન્ડે 12 જૂનથી ઈંગ્લેન્ડમાં શરૂ થનારા વિમેન્સ T20 વર્લ્ડકપ માટે ક્વોલિફાય કર્યું છે. સુપર સિક્સ રાઉન્ડની અંતિમ મેચમાં સ્કોટલેન્ડે યુએસએ સામે પહેલા બેટિંગ કરતા 20 ઓવરમાં 8 વિકેટે 178 રન બનાવ્યા.

ઓપનર ડાર્સી કાર્ટરે શાનદાર અડધી સદી (52) ફટકારી, જ્યારે એઈલ્સા લિસ્ટર અને પ્રિયાનાઝ ચેટર્જીએ અનુક્રમે 43 અને 39 રન બનાવ્યા. યુએસએ માટે તારા નોરિસે 33 રનમાં 3 વિકેટ લીધી, જેમાં સ્કોટિશ કેપ્ટન કેથરીન બ્રાયસનો ગોલ્ડન ડક પણ સામેલ હતો.

યુએસએની ખરાબ બેટિંગ

સ્કોટલેન્ડના સ્કોરના જવાબમાં યુએસ ટીમ 19 ઓવરમાં 137 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. ક્લેરિજે 35 રન બનાવ્યા, પરંતુ અન્ય કોઈ બેટ્સમેન ટાર્ગેટની નજીક પહોંચી શક્યો નહીં. સ્કોટલેન્ડની બોલિંગ સંપૂર્ણપણે શાનદાર હતી. કેથરિન બ્રાયસ, પ્રિયનાઝ ચેટર્જી, રાચેલ સ્લેટર અને ક્લો એબેલે 2-2 વિકેટ લીધી. પ્રિયનાઝ ચેટર્જીએ 19મી ઓવરમાં સતત 2 વિકેટ લઈને મેચને સંપૂર્ણપણે સ્કોટલેન્ડના પક્ષમાં ફેરવી દીધી.


સ્કોટલેન્ડ પહેલા બાંગ્લાદેશ, આયર્લેન્ડ અને નેધરલેન્ડ્સ ક્વોલિફાય થયા

આ જીત સાથે સ્કોટલેન્ડ સુપર સિક્સમાં ત્રીજા નંબરે રહ્યું અને બાંગ્લાદેશ, આયર્લેન્ડ અને નેધરલેન્ડ્સ સાથે જોડાઈને વિમેન્સ T20 વર્લ્ડકપ 2026 માટે ક્વોલિફાય થનારી ચોથી ટીમ બની. સ્કોટિશ મહિલા ટીમ બીજી વખત T20 વર્લ્ડકપ માટે ક્વોલિફાય થઈ છે. ટીમે અગાઉ 2 વર્ષ પહેલાં પહેલી વાર ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો.

છેલ્લા બે અઠવાડિયાથી નેપાળમાં ચાલી રહેલી આ ક્વોલિફાયર ટુર્નામેન્ટમાં સ્કોટલેન્ડ અને આયર્લેન્ડને તેમની અંતિમ મેચ જીતવાની જરૂર હતી. બંને ટીમોએ દબાણ હેઠળ શાનદાર પ્રદર્શન કરીને જીત મેળવી અને ઈંગ્લેન્ડ અને વેલ્સમાં યોજાનારી મુખ્ય ટુર્નામેન્ટમાં પોતાનું સ્થાન સુરક્ષિત કર્યું.

તમને જણાવી દઈએ કે વિમેન્સ T20 વર્લ્ડકપ 2026 12 જૂનથી શરૂ થશે, જેની ફાઈનલ 5 જુલાઈએ યોજાશે. ઈંગ્લેન્ડ અને વેલ્સમાં આયોજિત આ ટુર્નામેન્ટમાં કુલ 12 ટીમો ભાગ લેશે. અગાઉના T20 વર્લ્ડકપ 2024 અને T20I રેન્કિંગના આધારે 8 ટીમોની પસંદગી કરવામાં આવી છે. ક્વોલિફિકેશન દ્વારા 4 ટીમો વર્લ્ડકપ માટે ક્વોલિફાય થઈ છે.

આ 12 ટીમો T20 વર્લ્ડકપ 2026માં લેશે ભાગ

ઓસ્ટ્રેલિયા, ભારત, પાકિસ્તાન, સાઉથ આફ્રિકા, ઈંગ્લેન્ડ, ન્યુઝીલેન્ડ, શ્રીલંકા, વેસ્ટ ઈન્ડિઝ, બાંગ્લાદેશ, આયર્લેન્ડ, સ્કોટલેન્ડ અને નેધરલેન્ડ.

આ પણ વાંચો: WPL 2026 Playoff: મુંબઈ ઈન્ડિયન્સ પાસે હજુ પણ એલિમિનેટર સુધી પહોંચવાની તક, જાણો કેવી રીતે



  • Follow us on: