પાકિસ્તાનના સ્ટાર ફાસ્ટ બોલર શાહીન શાહ આફ્રિદી માટે સારા સમાચાર છે. ઘૂંટણની ઈજાએ તેના બિગ બેશ લીગના અભિયાનને ટૂંકાવી દીધું હતું, પરંતુ હવે તે તેની અગાઉની ઈજાઓ કરતા ઓછી ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.
શાહીનને આગામી T20 વર્લ્ડકપમાં ભાગ લેવાનું હવે નિશ્ચિત માનવામાં આવે છે. ઓસ્ટ્રેલિયામાં બ્રિસ્બેન હીટ માટે રમતી વખતે શાહીનને જમણા ઘૂંટણમાં ઈજા થઈ હતી, જેના કારણે તે આ વર્ષના અંતમાં પાકિસ્તાન પાછો ફર્યો હતો. T20 વર્લ્ડકપ નજીક આવતાની સાથે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે તાત્કાલિક તેના રિહેબિલિટેશનની પ્રક્રિયા શરૂ કરી.
રિહેબ ટ્રેક પર આવતા અઠવાડિયાથી બોલિંગ
લાહોર કલંદર્સની ટેલેન્ટ હન્ટ કાર્યક્રમ દરમિયાન શાહીન આફ્રિદીએ જણાવ્યું હતું કે તેનું રિહેબિલિટેશન સારી રીતે આગળ વધી રહ્યું છે. તેને કહ્યું કે તેનું રિહેબિલિટેશન ચાલુ છે અને PCB મેડિકલ ટીમ તેનું નિરીક્ષણ કરી રહી છે. તે હાલમાં જીમ વર્કઆઉટ અને બેટિંગ પર કામ કરી રહ્યો છે. તે આવતા અઠવાડિયે બોલિંગ ફરી શરૂ કરશે. તેને એ પણ સ્પષ્ટ કર્યું કે હાલની ઈજા પહેલા જેટલી ગંભીર નથી.
શાહીન આફ્રિદીએ કહ્યું કે આ વખતે ઈજા એટલી ગંભીર નથી. હાડકામાં માત્ર થોડી સોજો છે. MRI રિપોર્ટ બહુ ચિંતાજનક નથી. તેમાં કદાચ એક અઠવાડિયું નહીં પણ એક મહિનો લાગશે.
ઈજાએ 2022 વર્લ્ડકપ બગાડ્યો!
શાહીન જે ઘૂંટણનો ઉલ્લેખ કરી રહ્યો છે તે એ જ ઘૂંટણ છે જેમાં તેને 2022 માં શ્રીલંકા સામેની ટેસ્ટ મેચ દરમિયાન ગંભીર પોસ્ટીરીયર ક્રુસિએટ લિગામેન્ટ ઈજા થઈ હતી. આ ઈજાએ તેને લગભગ છ મહિના સુધી ક્રિકેટથી દૂર રાખ્યો અને તે વર્ષના T20 વર્લ્ડકપની શરૂઆતની મેચોમાં પણ રમી શક્યો નહીં. પરંતુ તે ટુર્નામેન્ટના અંતિમ તબક્કામાં પાછો ફર્યો, પરંતુ ફાઈનલમાં તેને ફરીથી ઈજા થઈ અને તે ડેથ ઓવરમાં બોલિંગ કરી શક્યો નહીં. તે મેચમાં ઈંગ્લેન્ડે પાકિસ્તાનને હરાવીને ટાઈટલ જીત્યું.
BBLમાં નિરાશાજનક પ્રદર્શન
શાહીન આફ્રિદીનું BBL માં પ્રદર્શન ખાસ પ્રભાવશાળી ન હતું. તેને 4 મેચોમાં 11.19 ના ઈકોનોમી રેટથી રન આપ્યા અને ફક્ત 2 વિકેટ લીધી. પરંતુ ઈન્ટરનેશનલ લેવલે તેનું પ્રદર્શન વધુ સારું રહ્યું છે. ગયા વર્ષે તે T20 ફોર્મેટમાં પાકિસ્તાનનો ત્રીજો સૌથી વધુ વિકેટ લેનાર બોલર હતો, ફક્ત મોહમ્મદ નવાઝ અને અબરાર અહેમદ પછી.
શ્રીલંકામાં રમવું ફાયદાકારક રહેશે
પાકિસ્તાન ટીમ હાલમાં શ્રીલંકામાં વ્હાઈટ બોલની સિરીઝ રમી રહી છે, જેને વર્લ્ડકપ માટેની મહત્વપૂર્ણ તૈયારી માનવામાં આવે છે. પાકિસ્તાન શ્રીલંકામાં યોજાનાર T20 વર્લ્ડકપમાં તેની બધી મેચ રમશે. ODI કેપ્ટન શાહીનએ કહ્યું કે તેઓએ છેલ્લા એક વર્ષમાં ખૂબ જ સારું ક્રિકેટ રમ્યું છે. ટુર્નામેન્ટ પહેલા કોઈ દેશમાં પ્રવાસ કરવો અને ત્યાં મેચ રમવી ખેલાડીઓ માટે ફાયદાકારક છે અને તેમને આશા છે કે આનો તેમને વર્લ્ડકપમાં પણ ફાયદો થશે.
આ પણ વાંચો: Mustafizur Rahmanને IPLમાંથી બહાર કર્યા બાદ મોઈન અલીએ કરી ICCની ટીકા!