હાલમાં ઈંગ્લેન્ડમાં ક્રિકેટ જોરશોરથી રમાઈ રહ્યું છે. એક તરફ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 5 મેચની ટેસ્ટ સિરીઝ રમાઈ રહી છે. બીજી તરફ T20 બ્લાસ્ટનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે. આ પરિસ્થિતિમાં ઈંગ્લેન્ડથી દરરોજ કોઈને કોઈ મોટા સમાચાર આવી રહ્યા છે.


ચોથી ટેસ્ટ 23 જુલાઈથી માન્ચેસ્ટરમાં શરૂ થવાની છે. આ દરમિયાન નોટિંગહામના ટ્રેન્ટ બ્રિજથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. 18 જુલાઈના રોજ T20 બ્લાસ્ટમાં રમાયેલી મેચમાં 17 વર્ષના બોલરે હેટ્રિક લઈને ધૂમ મચાવી દીધી છે. આ સિદ્ધિ નોટિંગહામશાયર અને લેન્કેશાયર વચ્ચે રમાયેલી મેચમાં જોવા મળી હતી, જ્યાં ઈંગ્લેન્ડના સ્પિનર રેહાન અહેમદના નાના ભાઈ ફરહાન અહેમદે હેટ્રિક લઈને ધૂમ મચાવી હતી.

આ રીતે ફરહાન અહેમદે T20 ક્રિકેટમાં હેટ્રિક લેનાર નોટિંગહામશાયરનો પહેલો બોલર બન્યો. તમને જણાવી દઈએ કે ફરહાન ઈંગ્લેન્ડના ઘરેલુ ક્રિકેટમાં ઈમર્જિંગ બોલર છે. ફરહાન અહેમદે 13 ફર્સ્ટ ક્લાસ મેચમાં 38 વિકેટ લીધી છે જ્યારે તેને 6 T20 મેચમાં 8 વિકેટ લીધી છે. આ તેના કરિયરની પહેલી T20 બ્લાસ્ટ સીઝન છે.

ફરહાન અહેમદે મચાવી ધૂમ

ફરહાન અહેમદે હેટ્રિકની સાથે લેન્કેશાયરની અડધી ટીમને પેવેલિયનમાં મોકલી દીધી. તેને 4 ઓવરમાં માત્ર 25 રન આપીને 5 વિકેટ લીધી. આ શાનદાર પ્રદર્શનને કારણે નોટિંગહામશાયર લેન્કેશાયરને 126 રનમાં ઓલઆઉટ કરવામાં સફળ રહ્યું. ફરહાને 5 વિકેટ લીધી, જ્યારે મેથ્યુ મોન્ટગોમરી અને લિયામ પેટરસન-વ્હાઈટે 2-2 વિકેટ લીધી.


લેન્કેશાયરને 126 રનમાં ઓલઆઉટ કર્યા પછી નોટિંગહામશાયરની ટીમની શરૂઆત ખૂબ જ ખરાબ રહી. ટીમે 3 ઓવરમાં 14 રનની અંદર 4 બેટ્સમેન ગુમાવી દીધા. પરંતુ વિકેટકીપર બેટ્સમેન ટોમ મૂર્સે ધમાકેદાર અડધી સદી ફટકારી, જેના આધારે નોટિંગહામશાયરે 15.2 ઓવરમાં 127 રનનો ટાર્ગેટ ચેઝ કર્યો.

ટોમ મૂર્સે બનાવ્યા સૌથી વધુ રન

ટોમ મૂર્સે 42 બોલમાં 7 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી 75 રન બનાવ્યા. ટોમ મૂર્સ ભલે અણનમ ન રહ્યો હોય, પરંતુ તેની ઈનિંગ નોટિંગહામશાયરની જીતને નજીક લઈ ગઈ. ટીમને જીત ડેનિયલ સેમ્સે 9 બોલમાં 17 રન બનાવીને અપાવી. તેને પોતાની વિસ્ફોટક ઈનિંગમાં 1 ચોગ્ગો અને 1 સિક્સ ફટકારી. લ્યુક વુડ અને ટોમ હાર્ટલીએ લેન્કેશાયર માટે 2-2 વિકેટ લીધી. લ્યુક વેલ્સને સફળતા મળી.


  • Follow us on: