ટીમ ઈન્ડિયાના હેડ કોચ ગૌતમ ગંભીરે કહ્યું છે કે અર્શદીપ સિંહને ન્યુઝીલેન્ડના બેટ્સમેન ડેરિલ મિચેલની માફી માંગવાની જરૂર ન હતી. આ ઘટના 8 માર્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં T20 વર્લ્ડકપ 2026ની ફાઈનલ દરમિયાન બની હતી.
ન્યુઝીલેન્ડની ઈનિંગ દરમિયાન ડેરિલ મિચેલે અર્શદીપ સિંહની બોલિંગ પર સતત 2 છગ્ગા ફટકાર્યા. ત્યારબાદ અર્શદીપે જોયું કે બેટ્સમેન તેની ક્રીઝથી થોડો બહાર હતો અને તેને રન-આઉટનો પ્રયાસ કર્યો. પરંતુ બોલ સ્ટમ્પ ચૂકી ગયો અને તેના બદલે ડિરેલ મિચેલના પગમાં વાગ્યો. જેના કારણે મેદાન પર બંને ખેલાડીઓ વચ્ચે થોડી ઝઘડો થયો.
મેચ પછી અર્શદીપ સિંહે સ્પષ્ટતા કરી કે તેનો થ્રો ઈરાદાપૂર્વકનો ન હતો અને ડિરેલ મિચેલની માફી માગી. પરંતુ ગૌતમ ગંભીરે કહ્યું કે મેદાન પર આવી આક્રમકતા ખોટી નથી.
અર્શદીપના સમર્થનમાં સામે આવ્યા ગૌતમ ગંભીર
ગૌતમ ગંભીરે કહ્યું કે જ્યારે ખેલાડીઓ પોતાના દેશ માટે રમે છે, ત્યારે તેમના માટે ઉત્સાહી અને આક્રમક હોવું સ્વાભાવિક છે. જો કોઈ બેટર સતત 2 છગ્ગા મારે તો તેની પ્રતિક્રિયા આપવી સામાન્ય છે. તેમને કહ્યું કે જો અર્શદીપ માફી ન માગે તો પણ તેમને કોઈ સમસ્યા નહીં થાય. તેમના મતે ક્રિકેટના મેદાન પર ખેલાડીનું એકમાત્ર કામ પોતાના દેશ માટે જીત મેળવવી છે.
ગૌતમ ગંભીરે એમ પણ કહ્યું કે ક્રિકેટમાં પહેલા પણ આવી ઘટનાઓ બની છે, પરંતુ હવે સોશિયલ મીડિયાના યુગમાં દરેક નાની-નાની વાતને ઉછાળી દેવામાં આવે છે.
અર્શદીપ સિંહને ફટકારવામાં આવ્યો દંડ
આ ઘટના બાદ ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે અર્શદીપ સિંહને તેની મેચ ફીના 15 ટકા દંડ ફટકાર્યો. ક્રિકેટ કાઉન્સિલ મુજબ અર્શદીપે આચારસંહિતાનું ઉલ્લંઘન કર્યું છે, જેમાં બીજા ખેલાડી તરફ ખતરનાક રીતે બોલ ફેંકવાનો સમાવેશ થાય છે. અર્શદીપને 1 ડિમેરિટ પોઈન્ટ પણ આપવામાં આવ્યો છે. પરંતુ છેલ્લા 24 મહિનામાં આ તેની પહેલી આવી ઘટના હોવાથી કોઈ મોટી સજા ફટકારવામાં આવી નથી.
આ પણ વાંચો: Suryakumar Yadav, હાર્દિક પંડ્યા અને શિવમ દુબેએ છોડ્યો ટીમ ઈન્ડિયાનો સાથ, BCCI પર ઉઠ્યા સવાલો!