સૂર્યકુમાર યાદવની કેપ્ટનશીપ હેઠળ ડિફેન્ડિંગ ચેમ્પિયન ભારતીય ટીમે T20 વર્લ્ડકપ 2026માં શાનદાર શરૂઆત કરી છે, જેમાં તેમને ગ્રુપ A ની પોતાની પહેલી મેચમાં યુએસએ ટીમને 29 રનથી હરાવી. આ મેચમાં ટોસ હાર્યા બાદ ટીમ ઈન્ડિયાએ પહેલા બેટિંગ કરીને 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 161 રન બનાવ્યા હતા, જેમાં કેપ્ટન સૂર્યકુમાર યાદવની 84 રનની અણનમ ઈનિંગે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
ટાર્ગેટનો પીછો કરતી વખતે યુએસએ ટીમ 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને માત્ર 132 રન જ બનાવી શકી હતી. ભારતીય ટીમ માટે મોહમ્મદ સિરાજ, અર્શદીપ સિંહ અને અક્ષર પટેલ બોલિંગમાં ધૂમ મચાવતા જોવા મળ્યા.
સિરાજ-અક્ષર અને અર્શદીપ સામે યુએસએના બેટ્સમેન કર્યા હેરાન
આ મેચ જીતવા માટે યુએસએ ટીમને 162 રનનો ટાર્ગેટ આપવામાં આવ્યો હતો અને તેનો પીછો કરતી વખતે, તેમની શરૂઆત ખૂબ જ ખરાબ રહી. બીજી ઓવરમાં જ યુએસએ ટીમને એન્ડ્રિસ ગૌસના રૂપમાં પહેલો ઝટકો પડ્યો, જે ફક્ત 6 રનના વ્યક્તિગત સ્કોર પર મોહમ્મદ સિરાજનો શિકાર બન્યો.
યુએસએ ટીમે 13 રનના સ્કોર સુધી કેપ્ટન મોનંક પટેલ અને સૈતેજા મુક્કાલ્લાના રૂપમાં વધુ બે વિકેટ ગુમાવી દીધી. અહીંથી મિલિંદ કુમાર અને સંજય કૃષ્ણમૂર્તિએ ઈનિંગને નિયંત્રિત કરવાનો પ્રયાસ કર્યો સાથે મળીને પ્રથમ 6 ઓવરમાં સ્કોર 31 રન સુધી પહોંચાડ્યો. આ પછી ચોથી વિકેટ માટે બંને વચ્ચે 58 રનની પાર્ટનરશીપ જોવા મળી.
મોહમ્મદ સિરાજે લીધી 3 વિકેટ
આ મેચમાં 34 રનની ઈનિંગ રમ્યા બાદ મિલિંદ કુમાર વરુણ ચક્રવર્તીનો શિકાર બન્યો હતો. આ પછી બેટિંગ કરવા આવેલા શુભમ રંજને પણ આ મેચમાં 37 રનની ઈનિંગ રમી હતી પરંતુ તે પોતાની ટીમને જીત અપાવવામાં સફળ રહી શક્યો ન હતો. સંજય કૃષ્ણમૂર્તિએ પણ 37 રનની ઈનિંગ રમી હતી. યુએસએ ટીમ 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને માત્ર 132 રન જ બનાવી શકી હતી. ટીમ ઈન્ડિયા તરફથી મોહમ્મદ સિરાજની બોલિંગ અદ્ભુત હતી જેમણે કુલ 3 વિકેટ લીધી હતી, આ સિવાય અર્શદીપ સિંહ અને અક્ષર પટેલ 2-2 વિકેટ લેવામાં સફળ રહ્યા, જ્યારે વરુણ ચક્રવર્તીએ 1 વિકેટ લીધી હતી.
આ પણ વાંચો: ICC સામે ઝૂક્યું પાકિસ્તાન, ભારત સાથે T20 વર્લ્ડકપ મેચને લઈને બદલ્યું વલણ, PCB વાતચીત માટે થયું સંમત