ભારતની યુવા ટીમે ICC અંડર-19 વર્લ્ડકપ 2026માં પોતાનું પ્રભાવશાળી પ્રદર્શન ચાલુ રાખ્યું. ટુર્નામેન્ટની સાતમી મેચમાં ભારતે ડકવર્થ-લુઈસ પદ્ધતિ હેઠળ બાંગ્લાદેશને 10 રનથી હરાવ્યું. વરસાદ અને ભીની પીચના કારણે મેચ ઘણી વખત વિક્ષેપિત થઈ, પરંતુ ભારતીય ટીમે પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું અને સતત બીજી જીત મેળવી.


ટીમ ઈન્ડિયા તરફથી વૈભવ સૂર્યવંશી અને અભિજ્ઞાન કુંડુએ ટીમ માટે મહત્વપૂર્ણ ઈનિંગ રમી. ત્યારબાદ બોલરોએ જોરદાર પ્રદર્શન કરીને જીત મેળવી.

સૂર્યવંશી અને કુંડુની જોડીએ મચાવી ધૂમ

આ મેચ ક્વીન્સ સ્પોર્ટ્સ ક્લબ ખાતે રમાઈ હતી. બાંગ્લાદેશે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પરંતુ વરસાદને કારણે મેચ 49-49 ઓવરની કરવામાં આવી હતી. ભારતને શરૂઆતમાં જ મોટો ઝટકો લાગ્યો, કેપ્ટન આયુષ મ્હાત્રે, વેદાંત ત્રિવેદી અને વિહાન મલ્હોત્રાની વહેલા વિકેટ પડી. ત્યારબાદ વૈભવ સૂર્યવંશી અને અભિજ્ઞાન કુંડુએ ટીમ ઈન્ડિયા માટે ઈનિંગને સ્થિર કરી. સૂર્યવંશીએ 67 બોલનો સામનો કર્યો અને 72 રન બનાવ્યા, જેમાં 6 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા.

અભિજ્ઞાન કુંડુએ પણ ટીમને સ્થિર કરી, 112 બોલમાં 80 રન બનાવ્યા. તેને પોતાની ઈનિંગમાં 4 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા. કનિષ્ક ચૌહાણે પણ 26 બોલમાં 28 રન બનાવ્યા, જેના કારણે ટીમ ઈન્ડિયા 48.4 ઓવરમાં 238 રન સુધી પહોંચી ગઈ. બાંગ્લાદેશ તરફથી અલ ફહાદે શાનદાર બોલિંગ કરી, 5 વિકેટ લીધી.

વિહાન મલ્હોત્રાએ પોતાની બોલિંગથી મેચનું પાસું ફેરવી નાખ્યું

ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી બાંગ્લાદેશની શરૂઆત સારી રહી. એક સમયે ટીમે 17.2 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 90 રન બનાવી લીધા હતા. પરંતુ વરસાદને કારણે રમત અટકાવી દેવામાં આવી હતી. જ્યારે મેચ ફરી શરૂ થઈ, ત્યારે બાંગ્લાદેશને 29 ઓવરમાં 165 રનનો ટાર્ગેટ આપવામાં આવ્યો હતો. પરંતુ ટીમ ઈન્ડિયાએ મેચનું પરિણામ પલટી નાખ્યું.

બાંગ્લાદેશ 28.3 ઓવરમાં 146 રનમાં ઓલઆઉટ થઈ ગયું. વિહાન મલ્હોત્રાએ સૌથી વધુ 4 વિકેટ લીધી. ખિલન પટેલે પણ 2 વિકેટ લીધી. દિપેશ દેવેન્દ્રન, હેનિલ પટેલ અને કનિષ્ક ચૌહાણે 1-1 બેટ્સમેનને આઉટ કર્યા.

આ પણ વાંચો: IPL 2026 પહેલા RCBના ફેન્સ માટે સારા સમાચાર, ચિન્નાસ્વામી સ્ટેડિયમને લઈને મોટું અપડેટ


  • Follow us on: