RCB ના સ્ટાર બોલર યશ દયાલ મોટી મુશ્કેલીમાં હોય તેવું લાગે છે. સામે આવી રહેલા સમાચાર મુજબ ઉત્તર પ્રદેશમાં એક મહિલાએ તેમની વિરુદ્ધ FIR નોંધાવી છે. ઉત્તર પ્રદેશની એક મહિલાએ તેમના પર શારીરિક અને માનસિક ઉત્પીડનનો આરોપ લગાવ્યો છે.
મહિલાની સત્તાવાર ફરિયાદ સીએમ યોગીના કાર્યાલય સુધી પહોંચી ગઈ છે કારણ કે મહિલા આ સમગ્ર મામલામાં ઉચ્ચ અધિકારી પાસેથી તપાસની માગ કરી રહી છે.
પીડિતાએ નોંધાવી FIR
પીડિતાનું નામ ઉજ્જવલા સિંહ છે જે છેલ્લા 5 વર્ષથી યશ દયાલ સાથે રિલેશનશીપમાં હતી. FIRમાં જણાવાયું છે કે યશ દયાલ તેને શારીરિક, માનસિક અને આર્થિક રીતે હેરાન કરતો હતો. આ સિવાય જ્યારે તેને આ વાતની ખબર પડી ત્યારે તેને તેને માર પણ માર્યો હતો. પીડિતાએ FIRમાં એવો પણ આરોપ લગાવ્યો છે કે યશ દયાલના તેના સિવાય બીજી ઘણી છોકરીઓ સાથે સંબંધો હતા.
પીડિતાએ બધા પુરાવા હોવાનો કર્યો દાવો
FIRમાં એ પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે 14 જુલાઈ 2025 ના રોજ પીડિતાએ મહિલા હેલ્પલાઈન 181 પર ફોન કરીને ફરિયાદ નોંધાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પોલીસ સ્ટેશનમાંથી પ્રક્રિયા આગળ વધી શકી ન હતી. ત્યારબાદ હવે પીડિત મહિલા સીધી મુખ્યમંત્રી કાર્યાલયમાં ન્યાય માટે અરજી કરી રહી છે.
પીડિતા દાવો કરી રહી છે કે તેની પાસે આ બધા આરોપોને સાબિત કરવા માટે સંપૂર્ણ પુરાવા છે. તેની પાસે આ કેસ સંબંધિત ચેટ્સ, સ્ક્રીનશોટ અને વીડિયો કોલ રેકોર્ડિંગ છે. હાલમાં તે આ કેસમાં આરોપી યશ દયાલને વહેલી તકે સજા અપાવવાની વાત કરી રહી છે.