વડોદરામાં રમાયેલી ન્યુઝીલેન્ડ સામેની પહેલી વનડેમાં ભારતની જીતનો હીરો વિરાટ કોહલી હતો. 301 રનના ટાર્ગેટનો પીછો કરતી વખતે વિરાટ કોહલી માત્ર 7 રનથી સદી ચૂકી ગયો. પરંતુ તેને 93 રનની શાનદાર ઈનિંગ રમીને ભારતની જીતમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી.
ચેઝ માસ્ટર વિરાટ કોહલી આ મેચની શરૂઆતથી જ શાનદાર ફોર્મમાં હતો. આ દરમિયાન તેને કેપ્ટન શુભમન ગિલ સાથે મળીને બીજી વિકેટ માટે 118 રનની પાર્ટનરશીપ કરી, જ્યારે તેને ત્રીજી વિકેટ માટે શ્રેયસ ઐયર સાથે 77 રન બનાવ્યા. વિરાટ કોહલીને તેના શાનદાર પ્રદર્શન માટે પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ મળ્યો.
વિરાટ કોહલીની નજર સચિનના બીજા વર્લ્ડ રેકોર્ડ પર
વિરાટ કોહલી માટે આ તેના ODI કરિયરમાં 45મો પ્લેયર ઓફ ધ મેચ એવોર્ડ હતો અને ઈન્ટરનેશનલ ક્રિકેટમાં તેનો 71મો એવોર્ડ હતો. આ પછી વિરાટ કોહલીની નજર હવે સચિન તેંડુલકરના બીજા એક વર્લ્ડ રેકોર્ડ પર છે. તેને હવે તે રેકોર્ડ તરફ આગળ વધવાનું શરૂ કર્યું છે. આ રેકોર્ડ ઈન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી વધુ વખત પ્લેયર ઓફ ધ મેચ એવોર્ડ જીતવાનો છે. હાલમાં આ રેકોર્ડ સચિન તેંડુલકરના નામે છે. તેમને ઈન્ટરનેશનલ ક્રિકેટમાં 76 વખત POTM એવોર્ડ જીત્યો હતો. હવે વિરાટ સચિનનો રેકોર્ડ તોડવાથી માત્ર પાંચ પગલાં દૂર છે.
વિરાટ કોહલીએ વનડેમાં 45 વખત, T20માં 16 વખત અને ટેસ્ટમાં 10 વખત પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ જીત્યો છે. સચિન તેંડુલકર અને વિરાટ કોહલી વચ્ચેનું અંતર હવે ખૂબ જ ઓછું થઈ ગયું છે. માસ્ટર બ્લાસ્ટરે વનડેમાં 62 વખત અને ટેસ્ટમાં 14 વખત આ સિદ્ધિ હાંસલ કરી હતી. સચિન તેંડુલકર અને વિરાટ કોહલી વચ્ચેનું અંતર હવે ફક્ત પાંચ પગલાંનું છે. જો વિરાટ અહીંથી પાંચ વખત POTM એવોર્ડ જીતવામાં સફળ થાય છે, તો તે સચિનની બરાબરી કરશે અને સંયુક્ત નંબર વન સ્થાન પર પહોંચી જશે.
ઈન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી વધુ પ્લેયર ઓફ ધ મેચ એવોર્ડ જીતનારા ખેલાડીઓ
76 - સચિન તેંડુલકર
71 - વિરાટ કોહલી
58 - સનથ જયસૂર્યા
57 - જેક્સ કાલિસ
50 - કુમાર સંગાકારા
આ લિસ્ટમાં વિરાટ કોહલી ત્રીજા નંબરે
ફક્ત ODI ક્રિકેટની વાત કરીએ તો આ ફોર્મેટમાં સૌથી વધુ પ્લેયર ઓફ ધ મેચ એવોર્ડ જીતવાના સંદર્ભમાં વિરાટ કોહલી ત્રીજા નંબરે છે. 50 ઓવરના ફોર્મેટમાં વિરાટ કોહલીનો આ 45મો પ્લેયર ઓફ ધ મેચ એવોર્ડ હતો. તેના પહેલા શ્રીલંકાના ભૂતપૂર્વ વિસ્ફોટક બેટ્સમેન સનથ જયસૂર્યા અને સચિન તેંડુલકરનો નંબર આવે છે. સચિને ODIમાં 62 વખત આ એવોર્ડ જીત્યો છે, જ્યારે જયસૂર્યાએ 48 વખત જીત્યો છે.
આ પણ વાંચો: RCBએ યુપી વોરિયર્સને 9 વિકેટને હરાવ્યું, ગ્રેસ હેરિસ ધમાકેદાર ફિફ્ટી અને સ્મૃતિ મંધાનાની શાનદાર ઈનિંગ