ટીમ ઈન્ડિયા હાલમાં ઈંગ્લેન્ડના પ્રવાસ પર ટેસ્ટ સિરીઝ રમી રહી છે. આ સિરીઝમાં ફેન્સ વિરાટ કોહલી અને રોહિત શર્માને રમતા જોઈ શકતા નથી. આ સિરીઝ પહેલા બંને ખેલાડીઓએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરીને ફેન્સને નિરાશ કર્યા હતા.


ત્યારથી ફેન્સ તેમના મેદાનમાં રમતાં જોવાની રાહ જોઈ રહ્યા છે. ફેન્સની રાહ ટૂંક સમયમાં સમાપ્ત થઈ શકે છે. સામે આવી રહેલી માહિતી મુજબ BCCI અને શ્રીલંકા ક્રિકેટ બોર્ડ વચ્ચે ODI અને T20 સિરીઝ અંગે ચર્ચાઓ જોરશોરથી ચાલી રહી છે. આ સિરીઝ ઓગસ્ટ મહિનામાં બંને ટીમો વચ્ચે યોજાઈ શકે છે જેમાં વિરાટ કોહલી અને રોહિત શર્મા રમતા જોવા મળશે.

બાંગ્લાદેશ સામેની સિરીઝ રાખવામાં આવી સ્થગિત

ક્રિકેટના બિઝી શેડ્યુલમાં કોઈ ખાલી વિન્ડો નથી, પરંતુ ઓગસ્ટ મહિનામાં ભારતની બાંગ્લાદેશ સાથેની 3 મેચની ODI અને T20 સિરીઝ ઓગસ્ટ 2026 સુધી સ્થગિત રાખવામાં આવી છે. આનું કારણ બાંગ્લાદેશમાં ચાલી રહેલા રાજકીય તણાવને માનવામાં આવે છે.


બીજી તરફ શ્રીલંકા પ્રીમિયર લીગ પણ સ્થગિત રાખવામાં આવી છે. આને કારણે બંને દેશો માટે ઓગસ્ટની વિન્ડો ખાલી છે. મીડિયા રિપોર્ટ મુજબ શ્રીલંકા અને ભારતના ક્રિકેટ બોર્ડ આ અંગે સતત ચર્ચામાં છે.

રોહિત-વિરાટ ચેમ્પિયન્સ ટ્રોફીમાં રમતા મળ્યા હતા જોવા

વિરાટ કોહલી અને રોહિત શર્મા છેલ્લે ચેમ્પિયન્સ ટ્રોફીમાં ટીમ ઈન્ડિયા તરફથી રમતા જોવા મળ્યા હતા. ટીમ ઈન્ડિયાએ બંને ખેલાડીઓની હાજરીમાં ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ જીત્યો હતો. ફાઈનલમાં ન્યુઝીલેન્ડ સામે રોહિતની 76 રનની ઈનિંગને કોઈ ભૂલી શક્યું નથી. વર્લ્ડકપ ટાઈટલ જીત્યા બાદ બંને ખેલાડીઓએ T20 ઈન્ટરનેશનલમાંથી નિવૃત્તિ લીધી હતી અને હવે બંને ભારત માટે ફક્ત ODI મેચ રમે છે.


  • Follow us on: