ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ સિરીઝની ત્રીજી મેચ લોર્ડ્સ ખાતે રમાશે. સિરીઝ હાલમાં 1-1 થી બરાબર છે, તેથી ત્રીજી મેચ વધુ મહત્વપૂર્ણ બની જાય છે. હવે સિરીઝમાં વધુ ત્રણ મેચ બાકી છે. આ દરમિયાન સવાલ એ છે કે શું ત્રીજી મેચમાં ભારતીય ટીમના પ્લેઈંગ ઈલેવનમાં કોઈ ફેરફાર થશે. ટીમમાં ફેરફાર થશે તે નક્કી છે પરંતુ આ ફેરફાર એક કે વધુ હશે તે અંગે ચોક્કસ સસ્પેન્સ છે.


જસપ્રીત બુમરાહ ભારતની પ્લેઈંગ ઈલેવનમાં ફરશે પરત?

લોર્ડ્સમાં રમાનારી ત્રીજી ટેસ્ટમાં જસપ્રીત બુમરાહ ફરી એકવાર વાપસી કરશે તેમાં કોઈ શંકા ન હોવી જોઈએ. જો જસપ્રીત બુમરાહ આવે છે તો પ્રસિદ્ધ કૃષ્ણાને બહાર જવું પડશે. કેપ્ટન શુભમન ગિલે તેને પહેલી બે ટેસ્ટ મેચમાં તક આપી હતી, પરંતુ તે પોતાનું સ્થાન બચાવી શકે તેવું કંઈ કરી શક્યો નહીં. તેને ખૂબ જ ખરાબ બોલિંગ કરી અને વિકેટ પણ લીધી નહીં. એટલે કે હવે તેના માટે આ સિરીઝના દરવાજા બંધ થઈ જાય તેવી શક્યતા છે.

એક સ્પિનર ​​સાથે મેદાનમાં ઉતરી શકે છે ટીમ ઈન્ડિયા

આ સિવાય ટીમમાં બીજો ફેરફાર થઈ શકે છે. એવું માનવામાં આવે છે કે બીજી ટેસ્ટમાં હાર બાદ ઈંગ્લેન્ડ હવે ત્રીજી ટેસ્ટ માટે ઝડપી અને ઉછાળવાળી પિચ બનાવવાનું વિચારી રહ્યું છે. આ પરિસ્થિતિમાં શક્ય છે કે ભારતીય ટીમ ફક્ત એક જ સ્પિનર ​​સાથે મેદાનમાં ઉતરે અને તે રવિન્દ્ર જાડેજા હોઈ શકે.

એટલે કે એવી શક્યતા વધુ છે કે વોશિંગ્ટન સુંદરને ફક્ત એક જ મેચ પછી પ્લેઈંગ ઈલેવનની બહાર બેસવું પડી શકે છે. તેને બર્મિંગહામ ટેસ્ટના બીજા દાવમાં એક વિકેટ લીધી હતી. તે પહેલી ઈનિંગમાં 42 રન અને બીજી ઈનિંગમાં 12 રન બનાવીને અણનમ પાછો ફર્યો હતો.

શાર્દુલ ઠાકુર ફરી શકે છે પરત

ટીમ ઈન્ડિયા વોશિંગ્ટન સુંદર જેવા સ્પિન ઓલરાઉન્ડરને હટાવીને શાર્દુલ ઠાકુરને પાછો લાવવાનો પ્રયાસ કરશે. તે ફાસ્ટ બોલરોને અનુકૂળ પીચ પર કેટલીક વિકેટ લઈ શકે છે. આનાથી ભારતના ફાસ્ટ બોલિંગ વિકલ્પોમાં વધારો થશે. ભલે શાર્દુલ ઠાકુર પહેલી મેચમાં કંઈ ખાસ કરી શક્યો ન હતો, પરંતુ તેના નામ પર ટીમ મેનેજમેન્ટ વિચાર કરી શકે છે.

  • Follow us on: