ઈંગ્લેન્ડ અને ભારત વચ્ચે અત્યારે ટેસ્ટ સિરીઝ રમાઈ રહી છે. આ દરમિયાન ઈંગ્લિશ ક્રિકેટ બોર્ડે ભારત સામે રમનારી 3 એકદિવસીય સિરીઝ માટે ઈંગ્લેન્ડ મહિલા ટીમની ઓફિશિયલ જાહેરાત કરી છે.
નેટ સાયવર-બ્રન્ટની કેપ્ટનશીપમાં આ ટીમ પોતાના ઘરમાં ભારતને માત આપવાનો પ્રયાસ કરશે. તમને જણાવી દઈએ કે ઈંગ્લિશ ટીમે સ્ટાર સ્પિનર સોફી એકલેસ્ટન ટીમમાં પરત ફરવાની જાહેરાત કરી છે. તે વેસ્ટ ઈન્ડિઝ સિરીઝ સામે રમી ન હતી.
ઈંગ્લેન્ડની ભારત સામે વનડે સિરીઝ માટે ટીમ
નેટ સાયવર-બ્રન્ટ (કેપ્ટન), એમ આર્લોટ, ટેમી બાઉમેન્ટ, લોરેન બેલ, માઈઆ બાઉચિયર, એલિસ કેપ્સી, કેટ ક્રોસ, સોફિયા ડંકલી, સોફી એકલેસ્ટન, ચાર્લી ડીન, લોરેન ફાઈલર, એમી જોન્સ, એલિસ ડેવિડસન-રિચર્ડસ, એમા લેમ્બ અને લિન્સી સ્મિથ.
ઈંગ્લેન્ડ અને ભારત વચ્ચે એકદિવસીય સિરીઝનું શેડ્યુલ
ઈંગ્લેન્ડ અને ભારતની મહિલા ટીમ વચ્ચે 16 જુલાઈ 2025થી ત્રણ મેચની સિરીઝની શરુઆત થશે. આ મેચ ધ રોજ બાઉલ, સાઉથહેમ્પટનમાં થશે. બંને ટીમ વચ્ચે બીજી મેચ લોર્ડસમાં 19 જુલાઈથી થશે. આ સિરીઝની ત્રીજી મેચ ચેસ્ટર-લે-સ્ટ્રીટમાં 22 જુલાઈથી થશે. ભારત ઈંગ્લેન્ડને તેના ઘરમાં હરાવીને પોતાનું વર્ચસ્વ કાયમ કરવાનો પ્રયાસ કરશે.
ઈંગ્લેન્ડ અને ભારત વચ્ચે ચાલી રહી છે T20 સિરીઝ
ભારત અને ઈંગ્લેન્ડની વિમેન્સ ટીમ વચ્ચે હાલમાં 5 મેચની T20 ઈન્ટરનેશનલ સિરીઝ રમાઈ રહી છે. નોટિંગહામમાં રમાયેલી પહેલી મેચમાં ભારતીય મહિલા ટીમે પહેલા બેટિંગ કરીને 5 વિકેટ ગુમાવીને 210 રન બનાવ્યા હતા. જવાબમાં ઈંગ્લેન્ડે 14.5 બોલમાં 113 રન બનાવ્યા બાદ 10 વિકેટ ગુમાવી દીધી હતી. ભારતે પહેલી મેચ જીતીને લીડ મેળવી હતી.
સિરીઝની બીજી મેચ બ્રિસ્ટલમાં રમાઈ હતી, જેમાં ભારતે ફરીથી પહેલા બેટિંગ કરી અને 4 વિકેટ ગુમાવીને 181 રન બનાવ્યા. ઈંગ્લેન્ડની મહિલા ટીમ લક્ષ્યનો પીછો કરવા ઉતરી હતી પરંતુ 7 વિકેટ ગુમાવીને 157 રન જ બનાવી શકી હતી. ભારતે આ મેચ 24 રનથી જીતી લીધી હતી.
ઈંગ્લેન્ડ અને ભારતની મહિલા ટીમ વચ્ચે ત્રીજી મેચ ઓવલ ખાતે રમાઈ હતી. ઈંગ્લેન્ડની ટીમે પહેલા બેટિંગ કરીને 171 રન બનાવ્યા હતા. ભારતીય ટીમ જીતની નજીક પહોંચી હતી પરંતુ 5 વિકેટ ગુમાવ્યા બાદ માત્ર 166 રન જ બનાવી શકી હતી. ઈંગ્લેન્ડે આ મેચ 5 રનથી જીતી લીધી હતી. આ સાથે સિરીઝ હાલમાં ભારતની તરફેણમાં 2-1 છે. બંને ટીમો વચ્ચે ચોથી T20 આંતરરાષ્ટ્રીય મેચ 9 જુલાઈએ અને પાંચમી 12 જુલાઈએ રમાશે. સિરીઝ કોણ જીતે છે તે જોવાનું બાકી છે.