ટીમ ઈન્ડિયાએ વેસ્ટ ઈન્ડિઝ સામે માત્ર 13.2 ઓવરમાં ટાર્ગેટ હાંસલ કરીને વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લિજેન્ડ્સ 2025ના સેમીફાઈનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું છે. ટીમ ઈન્ડિયા હવે 31 જુલાઈએ સેમીફાઈનલમાં પાકિસ્તાન ચેમ્પિયન્સનો સામનો કરશે.


લીગ સ્ટેજમાં આ બંને ટીમો વચ્ચે રમાનારી મેચ રદ્દ કરવામાં આવી હતી. આ પરિસ્થિતિમાં જો ફરી એકવાર ટીમ ઈન્ડિયા મેચમાંથી દૂર થઈ જાય છે, તો મેચનું પરિણામ શું આવશે? હાલમાં બધા ક્રિકેટ ફેન્સ આ સવાલનો જવાબ જાણવા માગે છે.

જો સેમીફાઈનલ રદ્દ થાય તો કઈ ટીમને ફાયદો થશે?

લીગ સ્ટેજમાં ભારતીય ખેલાડીઓએ ટીમમાંથી બહાર નીકળી જવાને કારણે ભારત ચેમ્પિયન્સ અને પાકિસ્તાન ચેમ્પિયન્સ વચ્ચેની મેચ રદ્દ કરવામાં આવી હતી. હવે જો સેમીફાઈનલ મેચમાં પણ આવી જ પરિસ્થિતિ સર્જાય છે, તો પાકિસ્તાનની ટીમ પોઈન્ટ ટેબલમાં ટોપ પર હોવાને કારણે સીધી ફાઈનલમાં પહોંચશે. ટીમ ઈન્ડિયાની સફર અહીં જ સમાપ્ત થશે.


આ પરિસ્થિતિને ટાળવા માટે ટુર્નામેન્ટના આયોજકો પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયા અથવા પાકિસ્તાન અને સાઉથ આફ્રિકા વચ્ચે સેમીફાઈનલ મેચનું આયોજન કરી શકે છે. ભારત આ બે ટીમોમાંથી કોઈપણ એક સાથે સેમીફાઈનલ મેચ પણ રમી શકે છે. પરંતુ જો ભારત અને પાકિસ્તાન બંને ફાઈનલમાં પહોંચે તો પરિસ્થિતિ ફરી ખરાબ થઈ શકે છે.

છેલ્લી વખત આ ખેલાડીઓએ પરત લીધા હતા નામ

ઈન્ડિયા ચેમ્પિયન્સના હરભજન સિંહ, સુરેશ રૈના, શિખર ધવન, ઈરફાન પઠાણ અને યુસુફ પઠાણે પોતાના નામ પરત ખેંચી લીધા હતા. જેના કારણે ટીમમાં ફક્ત 10 ખેલાડીઓ બચ્યા હતા. હવે જો આ ખેલાડીઓ સેમીફાઈનલ મેચમાં ફરી એકવાર પોતાના નામ પરત ખેંચી લે છે, તો મેચનું આયોજન કરવું મુશ્કેલ બની જશે.


  • Follow us on: