વિમેન્સ પ્રીમિયર લીગ એટલે કે WPL 2026માં અડધાથી વધુ મેચ રમાઈ ચૂકી છે. વડોદરામાં રમાયેલી મેચમાં ગુજરાતને 61 રનથી હરાવીને RCB પ્લેઓફમાં જગ્યા બનાવનારી પહેલી ટીમ બની. હવે પ્લેઓફના બાકીના 2 સ્થાનો માટે ટીમો હજુ નક્કી થવાની બાકી છે, જેના માટે 4 ટીમો વચ્ચે જંગ ચાલી રહી છે.


આમાં પણ મુંબઈ ઈન્ડિયન્સ, યુપી અને ગુજરાત જાયન્ટ્સ વચ્ચે કઠિન સ્પર્ધા ચાલી રહી છે, કારણ કે ત્રણેય ટીમોના 4-4 પોઈન્ટ સમાન છે. આવી સ્થિતિમાં પ્લેઓફ માટેની રેસ રોમાંચક બની ગઈ છે. આ દરમિયાન ડિફેન્ડિંગ ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ માટે ચોંકાવનારા સમાચાર આવ્યા છે.

વિકેટકીપર-બેટ્સમેન સિઝનમાંથી થઈ બહાર

મુંબઈ ઈન્ડિયન્સની સ્ટાર ખેલાડી ગુનાલન કમલિની ઈજાગ્રસ્ત છે અને WPL 2026ની બાકીની મેચોમાં રમી શકશે નહીં. MIએ કમલિનીની ઈજા વિશે વધુ માહિતી આપી નથી. આ દરમિયાન ટીમે તેના રિપ્લેસમેન્ટની જાહેરાત કરી છે. રસપ્રદ વાત એ છે કે MI એ વિકેટકીપર-બેટ્સમેન કમલિની ના સ્થાને લેફ્ટ હેન્ડ સ્પિનરને પોતાની ટીમમાં સ્થાન આપ્યું છે.

જી કમલિનીના સ્થાને વૈષ્ણવી શર્માને ટીમમાં સામેલ કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે ઈજાને કારણે સીઝનમાંથી બહાર થતાં પહેલા કમલિની WPL ની વર્તમાન આવૃત્તિમાં 5 મેચ રમી હતી. તેણે 5 મેચમાં 77 બોલમાં કુલ 75 રન બનાવ્યા હતા, જેમાં 32 રન તેનો બેસ્ટ સ્કોર હતો.


ગયા વર્ષે થયું હતું ડેબ્યૂ

નવેમ્બરના અંતમાં WPL ઓક્શનમાં વૈષ્ણવી શર્મા અનસોલ્ડ રહી હતી અને હવે તેને MI દ્વારા 30 લાખ રૂપિયામાં ખરીદવામાં આવી છે. તે 2025માં ભારતની ICC U19 મહિલા T20 વર્લ્ડકપ વિજેતા ટીમનો ભાગ હતી. તેણે ભારત માટે 5 T20I રમી છે અને 5 વિકેટ લીધી છે.


વૈષ્ણવીએ ગયા વર્ષે ડિસેમ્બરમાં વિશાખાપટ્ટનમ અને તિરુવનંતપુરમમાં શ્રીલંકા સામેની T20I સિરીઝમાં ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું. વૈષ્ણવી શર્માએ 5 વિકેટ લીધી હતી, જેમાં 2-2 વિકેટના 2 સ્પેલનો સમાવેશ થાય છે. સૌથી અગત્યનું તેણે તે 5 મેચોમાં 6.26ના ઈકોનોમી રેટ સાથે ચુસ્ત બોલિંગ કરી હતી.

વિકેટકીપિંગમાં હવે એક જ વિકલ્પ

તમને જણાવી દઈએ કે MI એ 10 લાખ રૂપિયાની બેઝ પ્રાઈઝ ધરાવતી જી કમલિનીને 1.60 કરોડ રૂપિયામાં ખરીદી હતી. જી કમલિની ઉપલબ્ધ ન હોવાથી MI નો એકમાત્ર વિકેટ-કીપિંગ વિકલ્પ રાહિના ફિરદૌસ છે. રાહિના ફિરદૌસે હજુ સુધી WPL મેચ રમી નથી.

આ પણ વાંચો: Team Indiaની હાર માટે કોણ જવાબદાર? કેપ્ટન શુભમન ગિલે કર્યો મોટો ખુલાસો

  • Follow us on: