વિમેન્સ પ્રીમિયર લીગ 2026ની એલિમિનેટર મેચ વડોદરાના કોટંબી સ્ટેડિયમમાં દિલ્હી કેપિટલ્સ અને ગુજરાત જાયન્ટ્સ વચ્ચે રમાઈ હતી. આ મેચમાં દિલ્હીએ ગુજરાતને 7 વિકેટથી હરાવીને ફાઈનલમાં સ્થાન મેળવ્યું હતું. દિલ્હી કેપિટલ્સ કેપ્ટન જેમીમા રોડ્રિગ્સે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો.
પહેલા બેટિંગ કરતા ગુજરાતે દિલ્હી માટે 169 રનનો ટાર્ગેટ રાખ્યો હતો. દિલ્હીએ આ ટાર્ગેટ 15.4 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને હાંસલ કર્યો હતો. દિલ્હીની ટીમ સતત ચોથી સિઝનમાં ફાઈનલમાં જગ્યા બનાવવામાં સફળ રહી હતી.
ગુજરાત જાયન્ટ્સની ખરાબ શરૂઆત
પહેલા બેટિંગ કરવા આવતા ગુજરાત જાયન્ટ્સને આ મેચમાં સારી શરૂઆત મળી ન હતી. ટીમને પહેલો ઝટકો 9 રનના સ્કોર પર પડ્યો હતો. ત્યારબાદ 38 રનના સ્કોર પર ટીમને બીજો ઝટકો પડ્યો, જ્યારે છઠ્ઠી ઓવરમાં 2 બોલમાં 2 વિકેટ પડી ગઈ. ગુજરાતની ટીમ નિયમિત અંતરાલે વિકેટ ગુમાવી રહી હતી.
બીજી તરફ બેથ મૂનીએ મજબૂત રીતે ઈનિંગ સંભાળી. તે ઈનિંગની શરૂઆત કરવા આવી અને અંત સુધી અણનમ રહી. તેણે 51 બોલમાં 62 રનની અણનમ ઈનિંગ રમી. તેના સિવાય જ્યોર્જિયા વેરહેમે 25 બોલમાં 35 રન બનાવ્યા. અનુષ્કા શર્માએ 16 રન અને કાશ્વી ગૌતમે 18 રનનું યોગદાન આપ્યું.
દિલ્હીએ ફાઈનલમાં પ્રવેશ કર્યો
ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી દિલ્હી ટીમે આ મેચમાં શાનદાર શરૂઆત કરી હતી. લિઝેલ લી અને શેફાલી વર્માએ પહેલી વિકેટ માટે 89 રનની પાર્ટનરશીપ કરી હતી. લિઝેલ લી 24 બોલમાં 41 રન બનાવીને આઉટ થઈ ગઈ હતી. આ પછી 92 રનના સ્કોર પર, શેફાલીને બીજો ઝટકો પડ્યો. તેણે 21 બોલમાં 31 રનની ઇનિંગ રમી. કેપ્ટન જેમિમા રોડ્રિગ્ઝે 23 બોલમાં 41 રનની ઝડપી ઈનિંગ રમી. લૌરા વોલ્વાર્ડ 32 રન બનાવીને અણનમ રહી. ગુજરાત માટે જ્યોર્જિયા વેરહેમે 2 વિકેટ લીધી. દિલ્હી કેપિટલ્સ હવે 5 ફેબ્રુઆરીએ WPL 2026 ફાઈનલમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુનો સામનો કરશે.
આ પણ વાંચો: Team India રમશે વોર્મ-અપ મેચ, જાણો ક્યારે અને ક્યાં સમયે જોઈ શકાશે?