હાલમાં ભારતમાં વિમેન્સ પ્રીમિયર લીગ રમાઈ રહી છે. દુનિયાભરની મહિલા ખેલાડીઓ તેમાં રમતી જોવા મળે છે. આ દરમિયાન મંગળવારે મોડી સાંજે એક ઘટના બની. દિલ્હી કેપિટલ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચેની મેચ ચાલી રહી હતી. દિલ્હીની ઓપનિંગ બેટ્સમેન લિઝેલ લી, બીજી ઈનિંગમાં બેટિંગ કરવા આવી હતી, તે શાનદાર બેટિંગ કરી રહી હતી, પરંતુ તે દરમિયાન, લી સ્ટમ્પ આઉટ થઈ ગઈ.


થર્ડ એમ્પાયરે લાંબા સમય સુધી રિપ્લે જોયું અને પછી લીને આઉટ જાહેર કરી. પરંતુ લિઝેલ લી આનાથી બિલકુલ સંતુષ્ટ ન હતી અને તેણે એમ્પાયરને આ વિશે વાત પણ કરી હતી. હવે આને અનુશાસનહીનતા માનવામાં આવી છે અને તેના પર ભારે દંડ ફટકારવામાં આવ્યો છે.

લિઝેલ લીને તેની મેચ ફીના 10 ટકા દંડ ફટકારવામાં આવ્યો

મંગળવારે બરોડાના BCA સ્ટેડિયમમાં મુંબઈ ઈન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચેની મેચ દરમિયાન વિમેન્સ પ્રીમિયર લીગની આચારસંહિતાનો ભંગ કરવા બદલ દિલ્હી કેપિટલ્સ ઓપનર લિઝેલ લીને તેની મેચ ફીના 10 ટકા દંડ અને એક ડિમેરિટ પોઈન્ટ આપવામાં આવ્યો છે.


આ આખી ઘટના મેચની બીજી ઈનિંગની 11મી ઓવરમાં બની

આ ઘટના ત્યારે બની જ્યારે દિલ્હી બીજી ઈનિંગમાં બેટિંગ કરી રહ્યું હતું. ઈનિંગની 11મી ઓવરમાં એમ્પાયરો વચ્ચે લાંબા સમય સુધી મેદાન પર ચર્ચા થયા પછી, લીને સ્ટમ્પ આઉટ આપવામાં આવી. અમનજોત કૌરનો બોલ લેગ સાઈડ નીચે જઈ રહ્યો હતો, ફ્લિક કરવાનો પ્રયાસ કરતી વખતે તેનું સંતુલન ગુમાવ્યું, અને વિકેટકીપર રાહિરા ફિરદોસે તેને સ્ટમ્પ આઉટ કરી દીધી. સ્ટમ્પ કેમેરા સહિત અનેક ખૂણાઓની સમીક્ષા કર્યા પછી, થર્ડ એમ્પાયરે નિર્ણય આપ્યો કે જ્યારે બેલ્સ પડી ગયા ત્યારે લીનું બેટ હવામાં હતું.

લીએ 28 બોલમાં 46 રન ફટકાર્યા

28 બોલમાં 46 રન બનાવી શાનદાર બેટિંગ કરી રહેલી લિઝેલ લીએ આઉટ થયા પછી મેદાન છોડતી વખતે સ્પષ્ટપણે નારાજગી વ્યક્ત કરી હતી અને નિર્ણય પછી પણ વિરોધ ચાલુ રાખ્યો હતો. એવું જાણવા મળ્યું છે કે તેણે આચારસંહિતાના કલમ 2.2 હેઠળ લેવલ 1 ગુનો સ્વીકાર્યો હતો, જે મેચ દરમિયાન ક્રિકેટ સાધનોના દુરુપયોગ સાથે સંબંધિત છે. પરંતુ મેચમાં જ લિઝેલ લીના આઉટ થયા છતાં દિલ્હી કેપિટલ્સે મેચ જીતી લીધી અને મુંબઈ ઈન્ડિયન્સ હારી ગઈ. આ વર્ષની વિમેન્સ પ્રીમિયર લીગમાં દિલ્હીની આ બીજી જીત છે. ટીમના હવે 4 પોઈન્ટ છે.

આ પણ વાંચો: WPL 2026 ટુર્નામેન્ટની વચ્ચે મુંબઈ ઈન્ડિયન્સને મોટો ઝટકો, આ ખેલાડી થઈ બહાર, રિપ્લેસમેન્ટની કરી જાહેરાત


  • Follow us on: