રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ દિલ્હી કેપિટલ્સને 8 વિકેટથી હરાવીને વિમેન્સ પ્રીમિયર લીગમાં સતત ચોથી જીત નોંધાવી. નવી મુંબઈના ડીવાય પાટિલ સ્ટેડિયમ ખાતે રમાયેલી આ મેચમાં દિલ્હી કેપિટલ્સે પ્રથમ ઈનિંગમાં 166 રન બનાવ્યા હતા. જવાબમાં RCBએ 10 બોલ બાકી રહેતા જીત મેળવી લીધી.


દિલ્હી કેપિટલ્સે પ્રથમ બેટિંગ કરી. ઓપનર શેફાલી વર્માએ 62 રનની અડધી સદી ફટકારી. લ્યુસી હેમિલ્ટને પણ 36 રનની તોફાની ઈનિંગ રમીને દિલ્હીને 166 રનના સ્કોર સુધી પહોંચાડવામાં મદદ કરી.

સ્મૃતિ મંધાના સદી ચૂકી ગઈ

રોયલ ચેલેન્જર્સ બેંગલુરુને 167 રનનો ટાર્ગેટ આપવામાં આવ્યો હતો. આરસીબીની ઓપનર ગ્રેસ હેરિસ માત્ર 1 રન બનાવીને આઉટ થઈ ગઈ હતી, પરંતુ સ્મૃતિ મંધાનાએ 61 બોલમાં 96 રન બનાવ્યા હતા. જો તેણે વધુ ચાર રન બનાવ્યા હોત, તો તે વિમેન્સ પ્રીમિયર લીગના ઈતિહાસમાં સદી ફટકારનારી પહેલી બેટર બની હોત. હાલમાં સોફી ડિવાઈન WPLમાં સૌથી વધુ વ્યક્તિગત સ્કોરનો રેકોર્ડ ધરાવે છે, તેણે ગુજરાત જાયન્ટ્સ માટે રમતી વખતે 99 રન બનાવ્યા હતા.


RCB માટે જ્યોર્જિયા વોલે અણનમ 54 રન બનાવ્યા અને સ્મૃતિ મંધાના સાથે 142 રનની પાર્ટનરશીપ કરી. અગાઉ RCB માટે લોરેન બેલ અને સયાલી સતઘરેએ 3-3 વિકેટ લીધી હતી.

પોઈન્ટ ટેબલમાં RCB ટોપ પર

રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ WPL 2026માં અત્યાર સુધીની ચારેય મેચ જીતી છે અને 8 પોઈન્ટ સાથે ટેબલમાં ટોપ પર છે. મુંબઈ ઈન્ડિયન્સ 4 પોઈન્ટ સાથે બીજા નંબરે છે, જ્યારે ત્રીજા સ્થાને રહેલી ગુજરાત જાયન્ટ્સના પણ 4 પોઈન્ટ છે. યુપી વોરિયર્સ ચોથા નંબરે છે અને તેણે પણ 4 પોઈન્ટ મેળવ્યા છે. દિલ્હી કેપિટલ્સ અત્યાર સુધી 4 મેચમાં માત્ર 1 જ જીત મેળવી શક્યું છે. દિલ્હી પાસે હાલમાં ફક્ત 2 પોઈન્ટ છે અને તે હાલમાં પોઈન્ટ ટેબલમાં સૌથી નીચે છે.

આ પણ વાંચો: Virat Kohli માટે આ સ્ટેડિયમ નથી લકી! 4 મેચમાં બનાવ્યા ફક્ત આટલા રન


  • Follow us on: