- સાઉથ આફ્રિકાને હરાવીને ભારત વર્લ્ડકપમાં ચેમ્પિયન
- સાઉથ આફ્રિકાનું ટ્રોફી જીતવાનું સપનું ચકનાચૂર
- ડેવિડ મિલરે ફાઇનલમાં હાર પર પોતાનું મૌન તોડ્યું
T20 વર્લ્ડકપ 2024ની ફાઈનલ મેચ ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાઈ હતી. ટીમ ઈન્ડિયાએ આ ઉતાર-ચઢાવની મેચ 7 રને જીતીને ટાઈટલ જીત્યું હતું. સાઉથ આફ્રિકાની ટીમ પ્રથમ વખત વર્લ્ડકપની ફાઇનલમાં પહોંચી હતી, પરંતુ ફાઇનલ જીતવાનું સપનું ફરી એકવાર ચકનાચૂર થઇ ગયું. સાઉથ આફ્રિકા સામેની ફાઈનલ હાર બાદ ડેવિડ મિલર ધ્રુસકે-ધ્રુસકે રડતો જોવા મળ્યો હતો. જે બાદ હવે ડેવિડ મિલરે ફાઇનલમાં હાર પર પોતાનું મૌન તોડ્યું છે.
ડેવિડ મિલરે કરી પોસ્ટ
ફાઇનલમાં ભારતના સામે હાર બાદ સાઉથ આફ્રિકાના વિસ્ફોટક બેટ્સમેન ડેવિડ મિલરે સોશિયલ મીડિયા પર એક ભાવનાત્મક પોસ્ટ શેર કરી છે. પોસ્ટ શેર કરતા મિલરે લખ્યું કે 2 દિવસ પહેલા જે બન્યું તેનાથી હું ખૂબ જ દુઃખી છું, મેં ઘણી મુશ્કેલીથી મારી જાતને તે પરિસ્થિતિમાંથી બહાર કાઢી છે. હું અત્યારે જે અનુભવું છું તે શબ્દોમાં વ્યક્ત કરી શકતો નથી. હું માત્ર એક જ વાત જાણું છું કે મને આ ટીમ પર સંપૂર્ણ ગર્વ છે. ટૂર્નામેન્ટમાં અમારી સફર શાનદાર રહી છે, તેમાં ઉતાર-ચઢાવ આવ્યા છે. અમે દર્દ સહન કર્યું છે પરંતુ મને વિશ્વાસ છે કે આ ટીમ ભવિષ્યમાં પણ તેનું સ્તર ઊંચું કરતી રહેશે.
મિલર તેના કેચને ક્યારેય ભૂલી શકશે નહીં
આ મેચ જીતવા માટે સાઉથ આફ્રિકાને છેલ્લી ઓવરમાં 16 રનની જરૂર હતી. સાઉથ આફ્રિકાની આશા મિલર પર ટકેલી હતી અને મિલર આ પહેલા પણ આવી ઘણી મેચો જીતાડી ચૂક્યો છે. સૂર્યકુમાર યાદવે છેલ્લી ઓવરના પહેલા જ બોલ પર શાનદાર કેચ લીધો હતો. આ કેચ જ આફ્રિકાની હારનું કારણ બની ગયો. મિલર આ કેચને ક્યારેય ભૂલી શકશે નહીં, કારણ કે કદાચ જો તે કેચને બદલે સિક્સર હોત તો મેચનું પરિણામ અલગ હોત.