- T20 વર્લ્ડકપ 2024 ટીમ ઈન્ડિયા બની ચેમ્પિયન
- આ મેચમાં સૂર્યકુમાર યાદવે શાનદાર કેચ પકડ્યો હતો
- BCCIએ સૂર્યકુમાર યાદવનો એક વીડિયો શેર કર્યો
T20 વર્લ્ડકપ 2024ની ફાઇનલ મેચની તે ક્ષણ યાદ હશે જ્યારે સાઉથ આફ્રિકાને જીતવા માટે 6 બોલમાં 16 રનની જરૂર હતી. સ્ટ્રાઈક સાઉથ આફ્રિકાના ખતરનાક બેટ્સમેન ડેવિડ મિલર પાસે હતી. ભારતીય ટીમના કપાળ પર પણ ચિંતાની રેખાઓ દેખાઈ રહી હતી, કારણ કે ટીમના મુખ્ય બોલર જસપ્રિત બુમરાહ અને અર્શદીપ સિંહની ઓવરો પૂરી થઈ ગઈ હતી.
ટીમના પાંચમા બોલર હાર્દિક પંડ્યાના હાથમાં બોલ હતો. હાર્દિકના પહેલા જ બોલ પર ડેવિડ મિલરે લાંબો શોટ રમ્યો હતો જે બાઉન્ડ્રી તરફ જતો જોવા મળ્યો હતો. થોડા સમય માટે એવું લાગ્યું કે આ બોલ બાઉન્ડ્રી લાઈન ક્રોસ કરી દેશે. પરંતુ આ દરમિયાન સૂર્યકુમાર યાદવે આશ્ચર્યજનક કેચ પકડ્યો હતો.
સૂર્યકુમારે આ કેચ વિશે શું કહ્યું
BCCIએ તેના ઓફિશિયલ એક્સ એકાઉન્ટ પરથી સૂર્યકુમાર યાદવનો એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં સૂર્યકુમાર યાદવ ખૂબ જ ભાવુક દેખાય છે. તે તેના નિવેદનમાં કહે છે કે “મને અત્યારે શું કહેવું તે ખબર નથી. જે પણ થયું તે એક સ્વપ્ન જેવું છે અને તેને સાચું સમજવામાં કદાચ 1 કે 2 દિવસ લાગશે. કદાચ જ્યારે અમે ભારત પહોંચીશું ત્યારે અમને ખ્યાલ આવશે કે અમે શું કર્યું છે. હવે અમારે બસ આ ક્ષણ જીવવાની છે, તેનો આનંદ માણવો છે.”
સૂર્યકુમાર યાદવનું કેવું રહ્યું પ્રદર્શન?
ટૂર્નામેન્ટમાં ભારતને ચેમ્પિયન બનાવવામાં સૂર્યકુમાર યાદવે મહત્વની ભૂમિકા ભજવી છે. ફાઈનલ મેચમાં તેનો ઐતિહાસિક કેચ હંમેશા યાદ રહેશે પરંતુ ભારત માટે સૂર્યકુમાર યાદવે 8 મેચમાં 135.37ની સ્ટ્રાઈક પર 199 રન બનાવીને ટીમને આ તબક્કે લઈ જવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. સેમિફાઇનલમાં સૂર્યકુમાર યાદવની 47 રનની મહત્વની ઈનિંગ રમી હતી. આ સિવાય સૂર્યકુમાર યાદવે સુપર-8 અને ગ્રુપ સ્ટેજમાં પણ શાનદાર પ્રદર્શન કર્યું હતું.