- ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાન વચ્ચે ત્રણ મેચની ટેસ્ટ સિરીઝ
- સિરીઝનીત્રીજી મેચ સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાઈ રહી છે
- આ મેચ ડેવિડ વોર્નરની ટેસ્ટ કારકિર્દીની છેલ્લી મેચ
ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાન વચ્ચે ત્રણ ટેસ્ટ મેચની સિરીઝની છેલ્લી મેચ સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાઈ રહી છે. આ મેચ ડેવિડ વોર્નરની ટેસ્ટ કારકિર્દીની છેલ્લી મેચ છે. આ પછી ડેવિડ વોર્નર ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ લેવા જઈ રહ્યો છે. મેચના ચોથા દિવસે ડેવિડ વોર્નર બેટિંગ કરવા મેદાનમાં આવતાની સાથે જ આખું સ્ટેડિયમ તાળીઓના ગડગડાટથી ગૂંજી ઉઠ્યું હતું.
સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ દર્શકોથી ભરચક છે. વોર્નરની છેલ્લી ટેસ્ટ ઈનિંગ્સ જોવા માટે દરેક વ્યક્તિ ઉત્સુક છે. સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર વોર્નરની છેલ્લી ટેસ્ટ ઈનિંગ માટે ખાસ તૈયારીઓ કરવામાં આવી છે. આ છેલ્લી ટેસ્ટ સિરીઝ પણ ડેવિડ વોર્નરને હંમેશ માટે યાદ રાખવાની છે, ઓસ્ટ્રેલિયન ટીમ સિરીઝ જીતીને તેને વિદાય આપવા જઈ રહી છે.
વોર્નરે છેલ્લી ટેસ્ટ ઇનિંગ્સમાં ફિફટી ફટકારી
જ્યારે ડેવિડ વોર્નર ચોથા દિવસે બેટિંગ કરવા મેદાન પર આવ્યો ત્યારે પહેલા પાકિસ્તાની ખેલાડીઓ અને અમ્પાયરોએ હાથ મિલાવીને મેદાન પર તેનું સ્વાગત કર્યું હતું. વોર્નર તેની છેલ્લી ટેસ્ટ ઇનિંગ્સમાં શાનદાર ફોર્મમાં જોવા મળ્યો હતો. ઓસ્ટ્રેલિયાને જલ્દી જ મેચના ચોથા દિવસે ઉસ્માન ખ્વાજાના રૂપમાં પહેલો ફટકો લાગ્યો હતો. આ પછી ડેવિડ વોર્નરે શાનદાર બેટિંગનું પ્રદર્શન કર્યું હતું. ડેવિડ વોર્નરે તેની છેલ્લી ટેસ્ટ મેચની છેલ્લી ઈનિંગમાં શાનદાર અડધી સદી ફટકારી હતી.
પાકિસ્તાન બીજો દાવમાં 115 રનમાં ઓલઆઉટ
બીજી ઇનિંગમાં પાકિસ્તાનની ટીમની બેટિંગ ઘણી નબળી રહી હતી. બીજી ઈનિંગમાં પાકિસ્તાનની આખી ટીમ માત્ર 115 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ હતી. પાકિસ્તાન તરફથી બીજી ઇનિંગમાં બેટિંગ કરતા સેમ અયુબે 33 રન, બાબર આઝમે 23 રન અને મોહમ્મદ રિઝવાને 28 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયા તરફથી બોલિંગ દરમિયાન જોશ હેઝલવુડે સૌથી વધુ 4 વિકેટ ઝડપી હતી. આ સિવાય સ્પિન બોલર નાથન લિયોને પણ 3 વિકેટ પોતાના નામે કરી હતી.