- ભારતની પેરા એથ્લેટ દીપ્તિ જીવનજીએ ઈતિહાસ રચ્યો
- વર્લ્ડ પેરા એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં 400 મીટર T20 કેટેગરીની રેસમાં ગોલ્ડ જીત્યો
- દીપ્તિએ 55.07 સેકન્ડના રેકોર્ડ સમય સાથે વર્લ્ડ રેકોર્ડ પણ બનાવ્યો હતો
ભારતની પેરા એથ્લેટ દીપ્તિ જીવનજીએ ઈતિહાસ રચ્યો છે. દીપ્તિએ સોમવારે જાપાનના કોબેમાં આયોજિત વર્લ્ડ પેરા એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં 400 મીટર T20 કેટેગરીની રેસમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ સાથે દીપ્તિએ 55.07 સેકન્ડના રેકોર્ડ સમય સાથે વર્લ્ડ રેકોર્ડ પણ બનાવ્યો હતો. દીપ્તિ જીવનજીએ ગયા વર્ષે પેરિસ ચેમ્પિયનશિપ દરમિયાન 55.12 સેકન્ડના રેકોર્ડને તોડી નાખ્યો હતો. આ રેકોર્ડ અમેરિકાની બ્રેના ક્લાર્કે બનાવ્યો હતો. ચાલો જાણીએ કોણ છે દીપ્તિ જીવનજી?
ઘણા રેકોર્ડ બનાવ્યા
દીપ્તિ જીવનજીનો જન્મ 27 સપ્ટેમ્બર 2003ના રોજ તેલંગાણાના કાલેડા ગામમાં થયો હતો. તે 400 મીટર T-20 રેસમાં ભાગ લે છે. દીપ્તિ આ પહેલા પણ ઘણા મોટા રેકોર્ડ બનાવી ચુકી છે. 2022ની હાંગઝોઉ એશિયન પેરા ગેમ્સ માટે તેની પસંદગી કરવામાં આવી હતી. જ્યાં તેણે નવો એશિયન પેરા રેકોર્ડ બનાવ્યો. આ સાથે રેકોર્ડ સમય સાથે ગોલ્ડ મેડલ કબજે કર્યો. તે સમયે દીપ્તિએ 56.69 સેકન્ડનો સમયમાં થાઈલેન્ડની ઓરાવાન કાસિંગને હરાવીને ગોલ્ડ જીત્યો હતો. દીપ્તિએ 56.18 સેકન્ડના સમય સાથે પેરિસ 2024 પેરાલિમ્પિક્સનો ક્વોટા મેળવ્યો છે.
ક્યારેક લોકો ટોણા મારતા હતા
દીપ્તિ ખૂબ જ ગરીબ પરિવારમાંથી આવે છે. તેમના પિતા રોજી મજુરી કરતા હતા. દીપ્તિનો પરિવાર એટલો ગરીબ હતો કે તેમની પાસે તેમની દીકરીને વારંગલથી હૈદરાબાદ મોકલવા માટે બસનું ભાડું ચૂકવવાના પૈસા પણ નહોતા. કેટલીકવાર લોકો તેના માતા-પિતાને 'માનસિક રીતે બીમાર' કહેતા અને દીપ્તિનું નામ લઈને તેને ટોણા મારતા. હવે એ જ લોકો તેમના ઘરે અભિનંદન આપવા પહોંચ્યા છે.
દીપ્તિએ સંઘર્ષ દ્વારા સફળતાનો માર્ગ નક્કી કર્યો
કોચ રમેશના કહેવા પ્રમાણે, દીપ્તિએ સંઘર્ષનો સામનો કરવા છતાં આ સ્થાન હાંસલ કર્યું છે. તેણીના માતા-પિતાને ટોણા સાંભળવા પડતા હતા કે તેમની પુત્રી માનસિક રીતે નબળી છે અને તેથી તે લગ્ન કરી શકતી નથી. રમેશ દીપ્તિને સ્કૂલ મીટ દરમિયાન મળ્યો હતો. આ પછી તેણે તેને તાલીમ આપવાનું નક્કી કર્યું.