- ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે T20 સીરીઝ
- ડેવિડ વોર્નર ઈજાના કારણે ત્રીજી મેચમાંથી બહાર
- પ્રથમ મેચમાં વોર્નરે 32 રનની ઈનિંગ રમી હતી
ડેવિડ વોર્નરે ન્યુઝીલેન્ડ સામે ત્રણ મેચની T20 સીરીઝની પ્રથમ મેચ રમી હતી અને રોટેશન સ્ટ્રેટેજીને કારણે બીજી મેચમાંથી બહાર થઈ ગયો હતો અને હવે ઈજાના કારણે તે સીરીઝની ત્રીજી અને છેલ્લી મેચમાંથી બહાર થઈ ગયો છે. વોર્નરની ઈજાએ IPL 2024 પહેલા દિલ્હી કેપિટલ્સ માટે મુશ્કેલીઓ વધારી દીધી છે.
ડેવિડ વોર્નર ઈજાગ્રસ્ત
IPL 2024 શરૂ થવામાં એક મહિનાથી પણ ઓછો સમય બાકી છે. આવી સ્થિતિમાં વોર્નર ટૂર્નામેન્ટ પહેલા રિકવરી કરી શકશે કે કેમ તે સવાલ ઉઠી રહ્યો છે. ગત સિઝનમાં વોર્નરે રિષભ પંતની ગેરહાજરીમાં દિલ્હી કેપિટલ્સની કમાન સંભાળી હતી. આવી સ્થિતિમાં આ વખતે તેના રમવા પર સવાલો ઉભા થયા છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ વોર્નરની ઈજા અંગે એક નિવેદન બહાર પાડીને જણાવ્યું હતું કે, "તેને ટૂંકા રિકવરી સમયગાળાની જરૂર પડશે, જે T20 વર્લ્ડકપ પહેલા યોજાનારી ઈન્ડિયન પ્રીમિયર લીગ માટે તેની ઉપલબ્ધતાને અસર કરશે તેવી અપેક્ષા નથી."
રિષભ પંત કરશે વાપસી?
આ નિવેદનથી કોઈ રીતે સ્પષ્ટ છે કે વોર્નર IPL પહેલા સ્વસ્થ થઈ જશે. હવે તે જોવાનું રસપ્રદ રહેશે કે શું ઓસ્ટ્રેલિયન બેટ્સમેન ખરેખર IPL પહેલા સ્વસ્થ થાય છે કે નહીં. જો કે રિષભ પંત વિશે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી મળી નથી કે તે આ વખતે IPL રમશે. પરંતુ પંત વિશે ઘણા મીડિયા અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે તે રમશે તે નિશ્ચિત છે.
વોર્નરે પ્રથમ મેચમાં 32 રનની ઇનિંગ રમી
ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ વેલિંગ્ટનમાં રમાયેલી પ્રથમ T20 મેચમાં ડેવિડ વોર્નરે 20 બોલમાં 1 ફોર અને 3 સિક્સરની મદદથી 32 રનની ઇનિંગ રમી હતી. ઓસ્ટ્રેલિયાએ પ્રથમ મેચ જીતી લીધી હતી. ઓસ્ટ્રેલિયાએ 216 રનના લક્ષ્યનો પીછો કરતા જીત મેળવી હતી.