- ફોલોઓન બાદ ન્યુઝીલેન્ડે બીજી ઇનિંગમાં 483 રન બનાવ્યા
- 258 રનના ટાર્ગેટ સામે ચોથા દિવસના અંતે ઈંગ્લેન્ડનો સ્કોર 48/1
- વેલિંગ્ટન ટેસ્ટ જીતવા ઇંગ્લેન્ડને 210 રનની જરૂર, ન્યુઝીલેન્ડ 9 વિકેટ દૂર
ઈંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ વચ્ચે વેલિંગ્ટનમાં રમાઈ રહેલી ટેસ્ટ મેચ રોમાંચક વળાંક પર પહોંચી ગઈ છે. આ ટેસ્ટના પહેલા બે દિવસે જ્યાં ઈંગ્લેન્ડની ટીમ એકતરફી રીતે વર્ચસ્વ જમાવી રહી હતી, તો પછીના બે દિવસમાં કિવી ટીમનો દબદબો રહ્યો હતો. પ્રથમ દાવના આધારે 226 રનના જંગી માર્જિનથી પાછળ હોવા છતાં, ન્યુઝીલેન્ડે ફોલોઓન રમતા જોરદાર વાપસી કરી અને તેના બીજા દાવમાં 483 રન બનાવીને ઈંગ્લેન્ડને જીતવા માટે 258 રનનો ટાર્ગેટ આપ્યો.

ઈંગ્લેન્ડના 435 સામે કિવી ટીમનું ફોલોઓન
વેલિંગ્ટન ટેસ્ટમાં ઈંગ્લેન્ડે તેનો પ્રથમ દાવ 8 વિકેટ ગુમાવીને 435 રન પર ડિકલેર કર્યો હતો. આ પછી બીજા દિવસની રમત પૂરી થવા સુધી ન્યુઝીલેન્ડે 138 રનમાં 7 વિકેટ ગુમાવી દીધી હતી. અહીં કિવી ટીમ 297 રનથી પાછળ હતી. આ પછી ત્રીજા દિવસે કિવી ટીમના ટેલ એન્ડ બેટ્સમેનોએ પોતાની ટીમને 209 રન સુધી પહોંચાડી દીધી હતી. પ્રથમ દાવમાં 226 રનથી પાછળ રહ્યા બાદ કિવી ટીમે ફોલોઓન કરવું પડ્યું હતું.
કિવી ટીમે બીજી ઇનિંગમાં 483 રન બનાવ્યા
ફોલોઓન રમતી વખતે કિવી બેટ્સમેનોએ સારી લડત આપી હતી અને ત્રીજા દિવસની રમતના અંતે 3 વિકેટ ગુમાવીને 202 રન બનાવ્યા હતા. આ પછી આજે મેચના ચોથા દિવસે (27 ફેબ્રુઆરી) કિવી બેટ્સમેનોએ જોરદાર રમત બતાવી હતી. કેન વિલિયમસન (132), ટોમ બ્લંડેલ (90), ડેરીલ મિશેલ (54)ની ઇનિંગ્સની મદદથી કિવી ટીમે તેની બીજી ઇનિંગમાં 483 રન બનાવ્યા હતા. અહીં ઈંગ્લેન્ડના સ્પિનર જેક લીચે 5 વિકેટ ઝડપી હતી. આ રીતે ઈંગ્લેન્ડને 258 રનનો ટાર્ગેટ મળ્યો હતો.

ઈંગ્લેન્ડે પ્રથમ વિકેટ ગુમાવી
258 રનના આ ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ઇંગ્લિશ ટીમે ચોથા દિવસની રમતના અંત સુધી પ્રથમ વિકેટ પણ ગુમાવી દીધી હતી. પ્રથમ ઈંગ્લિશ વિકેટ 39 રનના કુલ સ્કોર પર જેક ક્રાઉલી (24)ના રૂપમાં પડી હતી. સ્ટમ્પના સમયે ઈંગ્લેન્ડની ટીમે એક વિકેટ ગુમાવીને 48 રન બનાવ્યા હતા. એટલે કે પાંચમા દિવસે ઈંગ્લેન્ડને જીતવા માટે 210 રન બનાવવા પડશે, જ્યારે તેના હાથમાં 9 વિકેટ બાકી છે.