- મધ્યપ્રદેશ વિરુદ્ધ ટુર્નામેન્ટ માટે ટીમની કમાન મયંક અગ્રવાલના હાથમાં
- ઈજાગ્રસ્ત સરફરાઝ ખાનના સ્થાને બાબા ઈન્દ્રજીથનો ટીમ સમાવેશ
- ગ્વાલિયરમાં 1 થી 5 માર્ચ દરમિયાન રમાશે ઈરાની કપ ટુર્નામેન્ટ
ઓલ ઈન્ડિયા સિનિયર સિલેક્શન કમિટીએ ઈરાની કપ 2023 માટે રેસ્ટ ઑફ ઈન્ડિયા (ROI) ટીમની જાહેરાત કરી છે. BCCIએ ટ્વીટ કરીને આ જાણકારી આપી છે. ઈરાની કપની મેચ ગ્વાલિયરમાં 1 માર્ચથી 5 માર્ચ સુધી રમાશે.
ઈરાની કપ માટે રેસ્ટ ઓફ ઇન્ડિયા ટીમની જાહેરાત
BCCIએ તાજેતરમાં ઈરાની કપ માટે રેસ્ટ ઓફ ઇન્ડિયા ટીમની જાહેરાત કરી છે. રેસ્ટ ઓફ ઈન્ડિયા ટીમની કમાન મયંક અગ્રવાલને સોંપવામાં આવી છે. જ્યારે સ્ટાર બેટ્સમેન સરફરાઝ ખાનના આંગળીમાં ઈજાના કારણે આ ટીમનો ભાગ નહીં હોય. તેના સ્થાને ઓલ ઈન્ડિયા સિનિયર સિલેક્શન કમિટીએ તમિલનાડુના બાબા ઈન્દ્રજીથને રિપ્લેસમેન્ટ તરીકે પસંદ કર્યો છે.

સરફરાઝ ખાન ટૂર્નામેન્ટમાંથી બહાર
ઈરાની કપ પહેલા જ ટીમનો સ્ટાર બેટ્સમેન સરફરાઝ ખાન ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે. સરફરાઝ તેની IPL ટીમ દિલ્હી કેપિટલ્સના કેમ્પમાં પ્રેક્ટિસ કરી રહ્યો હતો ત્યારે બોલ તેના ડાબા હાથની આંગળીમાં વાગ્યો હતો. તે પછી તેણે પ્રેક્ટિસ કરી ન હતી. સરફરાઝ 26 ફેબ્રુઆરીએ ઈડન ગાર્ડન્સમાં રમાયેલી વોર્મ-અપ મેચમાં હાજર રહ્યો ન હતો. આવી સ્થિતિમાં તેના સ્થાને તમિલનાડુના બાબા ઈન્દ્રજીતને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.
બાબા ઈન્દ્રજીતનો ટીમમાં સમાવેશ
બાબા ઈન્દ્રજીતે અત્યાર સુધી ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં કુલ 65 મેચમાં 4492 રન બનાવ્યા છે. આ દરમિયાન તેનો સર્વોચ્ચ સ્કોર 200 રન રહ્યો હતો. જ્યારે લિસ્ટ-A ક્રિકેટમાં તેણે 49 મેચોમાં 1268 રન બનાવ્યા હતા, તો T20 ક્રિકેટમાં તેણે 23 મેચમાં 101.49ના સ્ટ્રાઈક રેટથી 340 રન બનાવ્યા હતા.

ઈરાની કપ માટે રેસ્ટ ઓફ ઇન્ડિયાની ટીમ:
મયંક અગ્રવાલ (કેપ્ટન), અભિમન્યુ ઇશ્વરન, યશસ્વી જયસ્વાલ, યશ ધુલ, બાબા ઇન્દ્રજીત, ઉપેન્દ્ર યાદવ (વિકેટકીપર), અતિત સેઠ, સૌરભ કુમાર, હાર્વિક દેસાઇ, નવદીપ સૈની, મુકેશ કુમાર, ચેતન સાકરિયા, આકાશ દીપ, મયંક માર્કંડે, પુલકિત નારંગ, સુદીપ કુમાર ઘરમી