- ઈંગ્લેન્ડ વિરૂદ્ધ વેલિંગ્ટન ટેસ્ટમાં વિલિયમસને સદી ફટકારીને બનાવ્યો રેકોર્ડ
- ન્યૂઝીલેન્ડ તરફથી ટેસ્ટમાં સૌથી વધુ રનના રોસ ટેલરના રેકોર્ડને તોડ્યો
- વિલિયમસને ન્યૂઝીલેન્ડ તરફથી સૌથી વધુ 26 ટેસ્ટ સદી ફટકારી છે
ન્યૂઝીલેન્ડના બેટ્સમેન કેન વિલિયમસને વેલિંગ્ટનમાં રમાઈ રહેલી ટેસ્ટમાં સદી ફટકારીને એક મોટો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. હવે તે ન્યૂઝીલેન્ડ માટે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન બની ગયો છે. તેણે ભૂતપૂર્વ ક્રિકેટર રોસ ટેલરને ટોચ પર પછાડ્યો હતો.

વિલિયમસને રોસ ટેલરને પાછળ છોડ્યો
કેન વિલિયમસની આ ઈનિંગ એવા સમયે આવી જ્યારે ઈંગ્લેન્ડને વેલિંગ્ટન ટેસ્ટમાં પ્રથમ દાવના આધારે 226 રનની જંગી લીડ મળી હતી. આવી સ્થિતિમાં ઇંગ્લેન્ડે ન્યૂઝીલેન્ડને ફોલોઓન આપ્યું હતું, પરંતુ કિવી ટોપ ઓર્ડરની મજબૂત બેટિંગે ન્યૂઝીલેન્ડને મેચમાં વાપસી કરાવી. પહેલા ટોમ લાથમ (83) અને ડેવોન કોનવે (61)એ અડધી સદી ફટકારી અને પછી કેન વિલિયમસને સદી ફટકારીને ટીમના સ્કોરને 450ની પાર પહોંચાડ્યું. વિલિયમસન 282 બોલમાં 132 રનની ઇનિંગ રમીને આઉટ થયો હતો. ટોમ બ્લંડલે પણ 90 રનની મહત્વપૂર્ણ ઇનિંગ રમી હતી. કિવી બેટ્સમેનોના આ વળતા હુમલાને કારણે હવે ઈંગ્લેન્ડને આ ટેસ્ટ જીતવા માટે 258 રનનો ટાર્ગેટ મળ્યો છે. બે મેચની આ ટેસ્ટ સિરીઝની પ્રથમ મેચ ઈંગ્લેન્ડે જીતી હતી.
કેન વિલિયમસનનો શાનદાર ટેસ્ટ રેકોર્ડ
કેન વિલિયમ્સન અત્યાર સુધી 92 ટેસ્ટ મેચ રમી ચૂક્યો છે. 92 ટેસ્ટની 161 ઇનિંગ્સમાં 53.33ની બેટિંગ એવરેજથી તેણે 7787 રન બનાવ્યા છે. તે રોસ ટેલરના ટેસ્ટ રનના રેકોર્ડ (7683)થી આગળ નીકળી ગયો છે. વિલિયમસને તેની ટેસ્ટ કારકિર્દીમાં 26 સદી ફટકારી છે. તે ન્યૂઝીલેન્ડ માટે સૌથી વધુ ટેસ્ટ સદી ફટકારનાર બેટ્સમેન પણ છે. વિલિયમસન માત્ર 32 વર્ષનો છે. આવી સ્થિતિમાં જો તે આવનારા સમયમાં આ લય જાળવી શકશે અને 5 થી 6 વર્ષ સુધી ક્રિકેટ રમવાનું ચાલુ રાખશે તો બીજા ઘણા મોટા રેકોર્ડ પણ તેના નામે કરી શકે છે.