- વનડે ક્રિકેટના ઈતિહાસમાં ઈંગ્લેન્ડની સૌથી મોટી હાર
- સાઉથ આફ્રિકા 229 રને મેચ જીત્યું
- ઈંગ્લેન્ડના તમામ બેટ્સમેન ફ્લોપ થયા
સાઉથ આફ્રિકાએ મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે વિશ્વ ચેમ્પિયન ઈંગ્લેન્ડને હરાવીને ઇતિહાસ રચ્યો છે. હેનરિક ક્લાસેનની 67 બોલમાં 109 રનની તોફાની સદી બાદ બોલરોના વિસ્ફોટક પ્રદર્શનને કારણે સાઉથ દક્ષિણ આફ્રિકાએ ઈંગ્લેન્ડને 229 રનથી હરાવ્યું છે. વનડે ક્રિકેટના ઈતિહાસમાં ઈંગ્લેન્ડની આ સૌથી મોટી હાર છે.
સાઉથ આફ્રિકાએ પ્રથમ બેટિંગ કરીને 50 ઓવરમાં 7 વિકેટના નુકસાને 399 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ઈંગ્લેન્ડની ટીમ 170 રન જ બનાવી શકી છે. ઈંગ્લેન્ડે માત્ર 100 રનમાં 8 વિકેટ ગુમાવી હતી. જે બાદ માર્ક વૂડે અણનમ 43 અને એટકિંસને 35 રન બનાવ્યા હતા. ડિફેન્ડિંગ ચેમ્પિયન ઈંગ્લેન્ડની આ વર્લ્ડકપમાં ત્રીજી હાર છે.
ઈંગ્લેન્ડના તમામ બેટ્સમેન ફ્લોપ રહ્યા
સાઉથ આફ્રિકા દ્વારા આપવામાં આવેલા 400 રનના લક્ષ્યાંકનો પીછો કરતી વખતે ઈંગ્લેન્ડના તમામ બેટ્સમેનો ફ્લોપ રહ્યા હતા. કોઈ ઈંગ્લિશ બેટ્સમેન લડતો જોવા મળ્યો ન હતો. પ્રથમ જોની બેરસ્ટો 10 રન બનાવીને આઉટ થયો હતો. જે બાદ જો રૂટ 2 રન અને ડેવિડ મલાન 6 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. બેયરસ્ટોને લુંગી એનગિડીએ આઉટ કર્યો હતો જ્યારે રૂટ અને માલનને યાનસેને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો.
24 રનમાં ત્રણ વિકેટ પડી ગયા બાદ તમામની નજર બેન સ્ટોક્સ પર હતી, પરંતુ તે પણ આફ્રિકન બોલરોનો વધુ સમય સુધી સામનો કરી શક્યો નહીં. સ્ટોક્સ 5 રન બનાવીને રબાડાની બોલિંગ પર આઉટ થયો હતો. જે બાદ જોસ બટલર અને હેરી બ્રુકે મોટા શોટ રમ્યા, પરંતુ આ બંને ખેલાડીઓ વધુ સમય સુધી ક્રીઝ પર ટકી શક્યા નહીં.
જોસ બટલર સાત બોલમાં 2 ફોર અને 1 સિક્સની મદદથી 15 રન બનાવીને આઉટ થયો હતો, જ્યારે હેરી બ્રુકે 2 ફોર અને 1 છગ્ગાની મદદથી 17 રન બનાવ્યા હતા. આ પછી ડેવિડ વિલી 12 રન બનાવીને આઉટ થયો હતો અને આદિલ રાશિદ 10 રન બનાવીને આઉટ થયો હતો. આ રીતે ઈંગ્લેન્ડે માત્ર 100 રનમાં 8 વિકેટ ગુમાવી દીધી હતી.
રીસ ટોપલી ઈજાગ્રસ્ત હતો. જેથી સાઉથ આફ્રિકાને જીતવા માટે માત્ર 9 વિકેટની જરૂર હતી. જો કે, માર્ક વૂડે 17 બોલમાં 2 ફોર અને 5 સિક્સની મદદથી અણનમ 43 રન અને ગસ એટકિન્સને 21 બોલમાં 7 ફોરની મદદથી 35 રન ફટકારીને હારનું અંતર ઓછું કર્યું હતું.
સાઉથ આફ્રિકા માટે લુંગી એનગિડીએ 5 ઓવરમાં એક મેડન આપીને 26 રન આપીને 2 વિકેટ લીધી હતી, જ્યારે માર્કો યાનસેને 35 રનમાં 2 વિકેટ ઝડપી હતી. આ ઉપરકાંતય ગેરાલ્ડ કોએત્ઝીને 3 સફળતા મળી હતી.
આ પહેલા બેટિંગ કરતા હેનરિક ક્લાસને સાઉથ આફ્રિકા માટે 109 રનની શાનદાર ઇનિંગ રમી હતી, જ્યારે રીઝા હેન્ડ્રિક્સે 85 રન, વેન ડેર ડુસેને 60 રન અને માર્કો જેન્સને 75 અણનમ રન બનાવ્યા હતા.