- 16 મી ઓવરમાં સોલ્ટે મચાવી ધૂમ
- ચોગ્ગા-છગ્ગા ફટકારીને ઈંગ્લેન્ડની એકતરફી જીત
- ઈંગ્લેન્ડે આઠ વિકેટે મેચ જીતી લીધી
ટી20 વર્લ્ડ કપ 2024માં સુપર-8 રાઉન્ડની બીજી મેચ ઈંગ્લેન્ડ અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ગુરુવારે 20 જૂનના રોજ સેન્ટ લુસિયામાં રમાઈ હતી. આ મેચમાં ઈંગ્લેન્ડે વેસ્ટ ઈન્ડિઝને 8 વિકેટે હરાવ્યું હતું. પહેલા બેટિંગ કરતા વેસ્ટ ઈન્ડિઝે 181 રનનો ટાર્ગેટ આપ્યો હતો, આ ટાર્ગેટ ઈંગ્લેન્ડે 15 બોલ પહેલા જ ચેઝ કરી લીધો હતો. ફિલ સોલ્ટ આ જીતનો હીરો હતો, જેને 185ના સ્ટ્રાઈક રેટથી 47 બોલમાં 87 રનની તોફાની ઈનિંગ રમીને મેચને એકતરફી બનાવી દીધી. આ માટે તેને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ મળ્યો. ઈંગ્લેન્ડની આ જીતમાં જોની બેયરસ્ટોએ પણ મહત્વનો રોલ પ્લે કર્યો. તેને 184ના સ્ટ્રાઈક રેટથી 26 બોલમાં 48 રન બનાવ્યા અને સોલ્ટે તેને સારો સાથ આપ્યો.
સોલ્ટ અને બેયરસ્ટોની તૂફાની ઈનિંગ
181 રનનો ટાર્ગેટ ચેઝ કરવા ઉતરેલી ઈંગ્લેન્ડ ટીમની ઓપનરોએ શરૂઆતથી જ અટેક કરવાનો પ્રયાસ કર્યો હતો. જોસ બટલર 22 બોલમાં 25 રન બનાવ્યા બાદ સંઘર્ષ કરતો જોવા મળ્યો હતો, જ્યારે તે રોસ્ટન ચેઝના બોલ પર આઉટ થયો હતો. આ પછી મોઈન અલી વધુ કંઈ કરી શક્યો ન હતો અને 10 બોલમાં 13 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. ત્યારપછી જોની બેયરસ્ટો ક્રીઝ પર આવ્યો અને ઈનિંગ્સને ઝડપથી આગળ વધારવાની શરૂઆત કરી. તેના આવતાની સાથે જ ઈંગ્લેન્ડને ગતિ મળી અને સોલ્ટે પણ તેનું આક્રમક રમવાનું શરૂ કર્યું. આ પછી બંનેએ મળીને મેચને એકતરફી બનાવી દીધી હતી.
વેસ્ટ ઈન્ડિઝ માટે ડોટ બોલ રમવા મોંઘુ સાબિત થયું
વેસ્ટ ઈન્ડિઝને ટૂર્નામેન્ટમાં પહેલી વખત હારનો સામનો કરવો પડ્યો છે. આ હાર માટે ડોટ બોલ મુખ્ય કારણ હતું. ઈંગ્લેન્ડના કેપ્ટન જોસ બટલરે ટોસ જીતીને વેસ્ટ ઈન્ડિઝને પહેલા બેટિંગ કરવાનું કહ્યું હતું. વેસ્ટ ઈન્ડિઝના ઓપનરોએ ઈનિંગની શરૂઆત સાવધાનીપૂર્વક કરી હતી. ઈંગ્લેન્ડના બોલરો તરફથી વેસ્ટ ઈન્ડિઝને હાથ ખોલવાની કોઈ તક મળી રહી ન હતી. આ પછી બ્રેંડન કિંગે ઝડપથી રમવાનું વિચાર્યું અને બાઉન્ડ્રી મારવાનું શરૂ કર્યું. આ પછી તે રિટાયર હર્ટ થઈ ગયો અને પરત ફર્યો. તેના ગયા પછી નિકોલસ પૂરન અને જ્હોન્સન ચાર્લ્સે ઈનિંગ સંભાળી પરંતુ વચ્ચેની ઓવરોમાં બંને સંઘર્ષ કરતા જોવા મળ્યા. આ સમયગાળા દરમિયાન તેણે ઘણા બધા ડોટ બોલ રમ્યા. આ ઈનિંગમાં 51 બોલ એટલે કે લગભગ 9 ઓવર ડોટ હતી, જે આખરે તેમની હારનું મુખ્ય કારણ બની હતી. નિકલોસ પુરને 32 બોલમાં 36 રન બનાવ્યા હતા જ્યારે જોન્સન ચાર્લ્સે 34 બોલમાં 38 રન બનાવ્યા હતા.