- ટેસ્ટ ક્રિકેટ ધીમી બેટિંગથી મોટા સ્કોર સુધી પહોંચવા માટે જાણીતું
- આક્રમક બેટિંગને લઈને ખૂબ જ ચર્ચામાં છે ઇંગ્લેન્ડ
- ઈંગ્લેન્ડે વેસ્ટ ઈન્ડિઝ સામે વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો
ટેસ્ટ ક્રિકેટ ભલે ધીમી બેટિંગથી મોટા સ્કોર સુધી પહોંચવા માટે જાણીતું હોય, પરંતુ એવું લાગી રહ્યું છે કે ઇંગ્લેન્ડની ટીમે તેને T-20ની જેમ રમવાનું શરૂ કરી દીધું છે. જ્યારથી બ્રેન્ડન મેક્કુલમ ઈંગ્લેન્ડના કોચ બન્યા છે. તે આક્રમક બેટિંગને લઈને ખૂબ જ ચર્ચામાં છે. બેઝબોલ મેક્કુલમના નિકનેમ બેઝને જોડીને બનાવવામાં આવ્યું હતું. આને અપનાવીને ઈંગ્લેન્ડના બેટ્સમેનો ટેસ્ટ ક્રિકેટમાં આક્રમક બેટિંગ કરતા જોવા મળે છે. ગુરુવારે ઈંગ્લેન્ડે વેસ્ટ ઈન્ડિઝ સામે રમાયેલી બીજી ટેસ્ટ મેચમાં એવી તબાહી મચાવી કે તેણે વર્લ્ડ રેકોર્ડ બની ગયો.
પ્રથમ ઓવરમાં પ્રથમ વિકેટ પડી
ઈંગ્લેન્ડ ટીમનો પ્રથમ બેટ્સમેન પહેલી જ ઓવરમાં આઉટ થઈ ગયો હતો. જેક ક્રોલી પ્રથમ ઓવરમાં શૂન્ય રને પેવેલિયનમાં પરત ફર્યા બાદ એવી અપેક્ષા રાખવામાં આવી રહી હતી કે બે અને ત્રણ નંબરના બેટ્સમેન સાવધાનીપૂર્વક રમશે, પરંતુ મેદાન પર રનનું એવું તોફાન આવ્યું કે બધા જોતા જ રહી ગયા.
બેન ડકેટ અને ઓલી પોપે મચાવી તબાહી
ઈંગ્લિશ બેટ્સમેન બેન ડકેટ અને ઓલી પોપે સાથે મળીને માત્ર 4.2 ઓવરમાં એટલે કે 26 બોલમાં 50 રન બનાવ્યા હતા. આ દરમિયાન બંનેએ 10 ચોગ્ગા ફટકાર્યા હતા. આ સાથે ઈંગ્લેન્ડે ઈતિહાસ રચ્યો હતો. તેણે ટેસ્ટ મેચના પહેલા દિવસે સૌથી ઝડપી અડધી સદીનો ટેસ્ટ રેકોર્ડ બનાવ્યો હતો. ઈંગ્લેન્ડે આ મામલે પોતાનો પહેલો રેકોર્ડ તોડ્યો હતો. તેણે 1994માં દક્ષિણ આફ્રિકા સામે ઓવલમાં 27 બોલમાં અડધી સદી ફટકારી હતી.
ઈંગ્લેન્ડે ત્રણ વખત કર્યું આ કારનામું
ખાસ વાત એ છે કે ઈંગ્લેન્ડે આ સિદ્ધિ એક કે બે વાર નહીં પરંતુ ત્રણ વખત હાંસલ કરી છે. 2002માં માન્ચેસ્ટરમાં રમાયેલી મેચમાં ઇંગ્લેન્ડે શ્રીલંકા સામે 4.6 ઓવરમાં 50 રન બનાવ્યા હતા. શ્રીલંકાએ પણ એક વખત આ રેકોર્ડ પોતાના નામે કર્યો છે. તેણે 2004માં કરાચીમાં પાકિસ્તાન સામે 5.2 ઓવરમાં આ રેકોર્ડ બનાવ્યો હતો. જ્યારે ભારતે 2008માં ચેન્નાઈમાં ઈંગ્લેન્ડ સામે આ રેકોર્ડ બનાવ્યો હતો. ટીમ ઈન્ડિયાએ 5.3 ઓવરમાં આ રેકોર્ડ બનાવ્યો હતો.