- સ્મૃતિ મંધાના આજે એટલે કે ગુરુવાર, 18 જુલાઈએ તેનો 28મો જન્મદિવસ ઉજવી રહી છે.
- સ્મૃતિએ ઘણી વખત કહ્યું છે કે તેને તેના ભાઈને જોઈને જ ક્રિકેટ રમવામાં રસ પડ્યો
- સ્મૃતિના ભાઈએ બેન્કર બનતા પહેલા મહારાષ્ટ્રની અંડર-19 ટીમનું પ્રતિનિધિત્વ કર્યું હતું
સ્મૃતિ મંધાનાનો જન્મ 18 જુલાઈ, 1996ના રોજ મુંબઈમાં થયો હતો, પરંતુ જ્યારે તે બે વર્ષની હતી, ત્યારે તેનો પરિવાર મહારાષ્ટ્રના સાંગલીમાં માધવનગર રહેવા ગયો, જ્યાં તેણે તેના શરૂઆતના દિવસો વિતાવ્યા. તેમના પિતા શ્રીનિવાસ વ્યવસાયે કેમિકલ ડિસ્ટ્રીબ્યુટર હતા જ્યારે તેમની માતા સ્મિતા ગૃહિણી હતી.
ક્રિકેટ હંમેશા સ્મૃતિ મંધાના પરિવારનો એક ભાગ રહ્યો છે કારણ કે તેના પિતા જિલ્લા સ્તરે રમ્યા છે. તેનો ભાઈ શ્રવણ પણ ક્રિકેટ રમતો હતો. સ્મૃતિના ભાઈએ બેન્કર બનતા પહેલા મહારાષ્ટ્રની અંડર-19 ટીમનું પ્રતિનિધિત્વ કર્યું હતું.
ભારતીય ટીમ માટે ડેબ્યૂ કરવાની મળી તક
મંધાનાને 5 એપ્રિલ 2013ના રોજ બાંગ્લાદેશ મહિલા ટીમ સામેની ટી20 સિરીઝમાં ભારતીય ટીમ માટે ડેબ્યૂ કરવાની તક મળી. પહેલી મેચમાં તેને 36 બોલમાં 39 રનની શાનદાર ઈનિંગ રમી હતી. આ દરમિયાન તેના બેટમાંથી ચાર શાનદાર ચોગ્ગા માર્યા હતા. સ્મૃતિ મંધાના તે સમયે 11 વર્ષની હતી જ્યારે તેની અંડર 19 ટીમમાં પસંદગી થઈ હતી. તેણે ઓક્ટોબર 2013માં ગુજરાત સામે 150 બોલમાં અણનમ 224 રનની વિસ્ફોટક ઈનિંગ રમી હતી.
આરસીબીની ટીમ પ્રથમ વખત ટ્રોફી જીતવામાં સફળ
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમ IPLમાં જે કરી શકી ન હતી તે સ્મૃતિ મંધાનાની આગેવાનીવાળી ટીમે વુમન્સ પ્રીમિયર લીગમાં કરી બતાવ્યું. સ્મૃતિ મંધાનાની કપ્તાનીમાં આરસીબીની ટીમ પ્રથમ વખત ટ્રોફી જીતવામાં સફળ રહી હતી, જ્યારે વિરાટ કોહલીની કપ્તાનીમાં આરસીબી 2016માં આઈપીએલની ફાઈનલમાં પહોંચી હતી પરંતુ તે ટાઈટલથી ચુકી ગઈ હતી. RCBએ WPLની ફાઈનલમાં દિલ્હી કેપિટલ્સને 8 વિકેટથી હરાવીને ચેમ્પિયન બનવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું હતું.
સ્મૃતિ મંધાનાનું આંતરરાષ્ટ્રીય કરિયર
સ્મૃતિ મંધાનાએ વર્ષ 2016માં તેની પ્રથમ વનડે સદી ફટકારી હતી, જ્યારે તેણે હોબાર્ટમાં ઓસ્ટ્રેલિયા સામે 109 બોલમાં 102 રન બનાવ્યા હતા. લગભગ પાંચ વર્ષ બાદ મંધાનાએ ઓસ્ટ્રેલિયામાં ઐતિહાસિક પિંક બોલ ટેસ્ટમાં 216 બોલમાં 127 રન બનાવ્યા હતા. તેની ઈનિંગમાં 22 ચોગ્ગા અને એક છગ્ગાનો સમાવેશ થાય છે. સ્મૃતિ મંધાનાએ ભારત માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં અત્યાર સુધીમાં સાત હજારથી વધુ રન બનાવ્યા છે. તેણે વનડે અને ટી20માં 3000થી વધુ રન બનાવ્યા છે.