• ઈંગ્લેન્ડ ક્રિકેટના દિગ્ગજ જ્યોફ્રી બોયકોટને થઇ ગંભીર બિમારી
  • જ્યોફ્રીએ પોતાના ક્રિકેટ કરિયરમાં કુલ 159 સદી ફટકારી
  • ગળાના કેન્સર જેવી ખતરનાક બિમારીનો શિકાર બન્યો

ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમના દિગ્ગજ જ્યોફ્રી બોયકોટ ફરી એકવાર ગળાના કેન્સર જેવી ખતરનાક બિમારીનો શિકાર બન્યો છે. આ બીજી વખત છે જ્યારે જ્યોફ્રી બોયકોટ આ રોગથી પ્રભાવિત થયા છે. 83 વર્ષના બોયકોટે પોતે પોતાની બીમારીનો ખુલાસો કર્યો છે. તમને જણાવી દઈએ કે, જ્યોફ્રી બોયકોટ ઈંગ્લેન્ડના મહાન ખેલાડીઓમાંથી એક છે અને તેણે પોતાના ક્રિકેટ કરિયરમાં કુલ 159 સદી ફટકારી હતી.

મોતથી લડી રહ્યો છે આ દિગ્ગજ ખેલાડી

જ્યોફ્રી બોયકોટે જણાવ્યું છે કે તેમને બીજી વખત ગળાના કેન્સરનું નિદાન થયું છે. બે અઠવાડિયામાં તેની સર્જરી પણ થશે. જ્યોફ્રી બોયકોટે ધ ટેલિગ્રાફને જણાવ્યું હતું કે છેલ્લાં કેટલાંક અઠવાડિયામાં તેણે એમઆરઆઈ સ્કેન, સીટી સ્કેન, પીઈટી સ્કેન અને બે બાયોપ્સી કરાવી છે. તેને ગળાનું કેન્સર હોવાનું અને ઓપરેશનની જરૂર હોવાનું બહાર આવ્યું હતું. તેમણે વધુમાં કહ્યું કે બીજી વખત કેન્સરને હરાવવા માટે ઉત્તમ સારવાર અને થોડીક નસીબની જરૂર પડશે. કેન્સરથી પીડિત દરેક વ્યક્તિ જાણે છે કે તેમને કેન્સર ફરી આવવાની સંભાવના સાથે જીવવું પડશે. તેથી હું મારું કામ કરવાનું ચાલુ રાખીશ અને આશા રાખું છું કે બધું સારું થઈ જશે.

20 વર્ષ પહેલા પણ થયું હતું કેન્સર

જ્યોફ્રી બોયકોટને અગાઉ વર્ષ 2002માં કેન્સર સામે લડવું પડ્યું હતું. ત્યારે 62 વર્ષના જ્યોફ્રી બોયકોટે આ બીમારીને હરાવી હતી. ત્યારબાદ તેણે 35 કીમોથેરાપી સેશન લીધા. આ રોગ સાથેની તેમની અગાઉની લડાઈને યાદ કરતાં બોયકોટે આગળના પડકારોનો સ્વીકાર કર્યો છે.

આવી હતી જ્યોફ્રી બોયકોટની કારકિર્દી

યોર્કશાયર અને ઈંગ્લેન્ડના મહાન બેટ્સમેન જ્યોફ્રી બોયકોટે પોતાની કારકિર્દીમાં 108 ઈન્ટરનેશનલ ટેસ્ટ મેચ અને 36 ODI મેચ રમી હતી. આ દરમિયાન તેણે ટેસ્ટમાં 22 સદીની મદદથી 8114 રન બનાવ્યા હતા. તે જ સમયે, ODIમાં તેણે 36.06ની એવરેજથી 1 સદી અને 1082 રન બનાવ્યા. તેની ફર્સ્ટ ક્લાસ કારકિર્દીમાં તેણે 151 સદી સાથે કુલ 48426 રન બનાવ્યા અને લિસ્ટ Aમાં જ્યોફ્રી બોયકોટે 8 સદી સાથે 10095 રન બનાવ્યા. 1982માં રમતમાંથી નિવૃત્ત થયા બાદ તેણે કોમેન્ટેટર તરીકે કામ કર્યું. જેમાંથી તેમણે 2020માં વિદાય લીધી હતી.

  • Follow us on: