- 20 ઓક્ટોબરે ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાન વચ્ચે મેચ
- બેંગ્લોરના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાશે મેચ
- પાકિસ્તાન ટીમના પ્રેક્ટિસ સેશન નજીક થયો વિસ્ફોટ
પાકિસ્તાન ક્રિકેટ ટીમ હાલ બેંગ્લોરમાં છે. અહીં તેમની 20મી ઓક્ટોબરે મેચ છે. તેમનો મુકાબલો પાંચ વખતની વર્લ્ડ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા સામે છે. આ મેચ બેંગ્લોરના એમ.ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાશે. આ વર્લ્ડકપમાં પાક ટીમે 3 મેચ રમી છે અને 2માં જીત મેળવી છે. ભારત સામેની મેચમાં પાકિસ્તાનની ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો. ઓસ્ટ્રેલિયા સામે મેચ પહેલા જ્યાં પાકિસ્તાનની ટીમ પ્રેક્ટિસ કરી રહી તેના થોડા અંતરમાં અચાનક એક કેફેમાં આગ લાગી હતી.
કેફેમાં આગ લાગી
આ કેફે બેંગ્લોરના જે વિસ્તામાં આવેલું છે ત્યાં જ હાલ પાકિસ્તાનની ક્રિકેટ ટીમના ખેલાડીઓ રોકાયા છે અને ઘટના જ્યારે બની ત્યારે વર્લ્ડકપ મેચ પહેલા પાકિસ્તાની ખેલાડીઓ પ્રેક્ટિસ કરી રહ્યા હતા.આગની જાણ થતા ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી આગને કાબુમાં લીધી હતી. ફાયર અને ઈમરજન્સી સર્વિસના કર્મચારીઓએ જણાવ્યું કે, અમને શંકા છે કે આગ રસોડામાં લાગી હતી.
કોઈ જાનહાનિના સમાચાર નથી
પોલીસે જણાવ્યું કે આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે અને કોઈ જાનહાનિના સમાચાર નથી. કાફેનો એક કર્મચારી ઇજાગ્રસ્ત થયો હતો. જેને નજીકની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.
પાકિસ્તાનની ટીમ કેફેથી થોડા અંતરે પ્રેક્ટિસ કરી રહી
બેંગ્લોરમાં આ કેફેમાં વિસ્ફોટ થયો ત્યારે થોડા કિલોમીટર દૂર પાકિસ્તાન ક્રિકેટ ટીમના ખેલાડીઓ પ્રેક્ટિસ કરી રહ્યા હતા. જોકે, તેમના પ્રેક્ટિસ સેશનમાં આ વિસ્ફોટની કોઇ અસર જોવા મળી નથી, બેંગ્લોરમાં ઓસ્ટ્રેલિયા સામે પાકિસ્તાનની મેચ હોવાથી સુરક્ષા વ્યવસ્થામાં વધારો કરવામાં આવ્યો છે.