- રિઝવાને T20 ઈન્ટરનેશનલમાં 2000 રન પુરા કર્યા
- માત્ર 52મી ઈનિંગમાં રિઝવાને 2 હજાર રન બનાવ્યા
- વિરાટ કોહલી-કેએલ રાહુલને પણ પાછળ છોડી દીધા
પાકિસ્તાનના વિકેટ કીપર બેટ્સમેન મોહમ્મદ રિઝવાને T20 ઈન્ટરનેશનલમાં 2000 રનનો આંકડો પાર કરી લીધો છે. તેણે T20 ઈન્ટરનેશનલમાં સૌથી ઝડપી 2000 રન પૂરા કરવાના બાબર આઝમના રેકોર્ડની બરાબરી કરી.
બાબર આઝમના વર્લ્ડ રેકોર્ડની બરોબરી કરી
પાકિસ્તાનના ઓપનર મોહમ્મદ રિઝવાને મંગળવારે ઈંગ્લેન્ડ વિરુદ્ધ પ્રથમ T20 ઈન્ટરનેશનલ મેચમાં 46 બોલમાં 68 રનની શાનદાર ઈનિંગ રમી હતી. આ ઈનિંગ દરમિયાન રિઝવાને T20 ઈન્ટરનેશનલમાં બાબર આઝમના વર્લ્ડ રેકોર્ડની બરોબરી કરી અને ખાસ કિસ્સામાં વિરાટ કોહલી અને કેએલ રાહુલને પણ પાછળ છોડી દીધા. આ ઈનિંગ દરમિયાન રિઝવાને T20 ઈન્ટરનેશનલમાં 2000 રન પૂરા કર્યા અને તે પણ માત્ર 52મી ઈનિંગમાં.
T20 ઈન્ટરનેશનલમાં સૌથી ઝડપી 2 હજાર રન
બાબરે આ જ ઈનિંગમાં 2000 T20 ઈન્ટરનેશનલ રનના આંકડાને પણ સ્પર્શ કર્યો છે. બીજી તરફ, વિરાટ કોહલીએ 56 જ્યારે કેએલ રાહુલે 58 ઇનિંગ્સમાં 2000 T20 આંતરરાષ્ટ્રીય રન બનાવ્યા. તે જ સમયે, ઓસ્ટ્રેલિયાના કેપ્ટન એરોન ફિન્ચ આ મામલામાં પાંચમાં નંબર પર છે, જેણે 62 ઇનિંગ્સમાં આ કારનામું કર્યું હતું. મેચની વાત કરીએ તો રિઝવાન અને બાબરે મળીને પાકિસ્તાનને સારી શરૂઆત અપાવી હતી અને બંનેએ પ્રથમ વિકેટ માટે 85 રન જોડ્યા હતા, પરંતુ તે પછી પાકિસ્તાની બેટ્સમેનો સારી રીતે રમી શક્યા ન હતા.

પ્રથમ મેચમાં પાકિસ્તાન હાર્યું
આ રીતે ઈંગ્લેન્ડ સામેની સાત મેચોની શ્રેણીની પ્રથમ મેચમાં પાકિસ્તાન 20 ઓવરમાં સાત વિકેટે 158 રન જ બનાવી શકી હતી. જવાબમાં ઇંગ્લેન્ડે 19.2 ઓવરમાં ચાર વિકેટ ગુમાવીને 160 રન બનાવીને મેચ જીતી લીધી હતી. એલેક્સ હેલ્સે ફિફ્ટી ફટકારી હતી જ્યારે હેરી બ્રુક્સે 25 બોલમાં અણનમ 42 રન ફટકાર્યા હતા. બીજી તરફ ટીમ ઈન્ડિયાને ઓસ્ટ્રેલિયા સામે ચાર વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો.