- વર્લ્ડકપની ઉદ્ઘાટન મેચમાં ઇક્વાડોરે યજમાન કતારને 2-0થી હરાવ્યું
- યજમાન ટીમ વર્લ્ડકપની શરૂઆતની મેચમાં હારી હોય એવી પ્રથમ ઘટના
- કતાર વર્લ્ડકપમાં તેની આગામી મેચ 25 નવેમ્બરે સેનેગલ સામે રમશે
ફિફા વર્લ્ડકપની જ ઉદ્ઘાટન મેચમાં ઇક્વાડોરે યજમાન કતારને 2-0થી હરાવ્યું હતું. આ પ્રથમ વખત બન્યું છે કે જ્યારે યજમાન ટીમ વર્લ્ડકપની શરૂઆતની મેચમાં પરાજય પામી હોય.
ઉદ્ઘાટન મેચમાં યજમાન ટીમની હાર
ફિફા વર્લ્ડ કપ 2022ની 22મી સિઝન શરૂ થઈ ગઈ છે. ટૂર્નામેન્ટની શરૂઆતની મેચ યજમાન કતાર અને એક્વાડોર વચ્ચે રમાઈ હતી. આ મેચમાં ઇક્વાડોરે કતારને 2-0થી હરાવીને ઇતિહાસ રચ્યો છે. ફિફા વર્લ્ડકપની આ પહેલી સિઝન છે જ્યારે કોઈ યજમાન ટીમને શરૂઆતની મેચમાં હારનો સામનો કરવો પડ્યો હોય.
એનર વેલેન્સિયાએ બે ગોલ કર્યા
આ મેચમાં બંને ગોલ એક્વાડોરના કેપ્ટન એનર વેલેન્સિયાએ કર્યા છે. આ મેચ બાદ તેના વર્લ્ડકપમાં કુલ ચાર ગોલ થઇ ગયા છે. કતારની ટીમ માટે આ હાર બાદ વર્લ્ડકપમાં રસ્તો મુશ્કેલ બની ગયો છે. તેણે હવે નેધરલેન્ડ અને સેનેગલ સામેની આગામી મેચોમાં સતત જીત નોંધાવવી પડશે. આ કારમી હાર બાદ યજમાન ટીમ ટુર્નામેન્ટમાંથી બહાર થવાની કગાર પર આવી ગઈ છે. આવું પહેલીવાર 2010માં બન્યું હતું જ્યારે યજમાન દક્ષિણ આફ્રિકાને ટૂર્નામેન્ટમાંથી બહાર થવું પડ્યું હતું. દક્ષિણ આફ્રિકા પ્રથમ યજમાન દેશ હતો જે વર્લ્ડ કપમાં ગ્રુપ સ્ટેજની મેચોથી આગળ વધવામાં નિષ્ફળ રહ્યો હતો.
કતારને પેનલ્ટી ભારે પડી
ઇક્વાડોરના કેપ્ટને કતારને મેચની ત્રીજી મિનિટે જ પ્રથમ ઝટકો આપ્યો હતો. પરંતુ બીજા ગોલમાં કતારની ટીમે પોતાના જ પગ પર ફટકો માર્યો હતો. વાસ્તવમાં, ગોલકીપર સાદ અબ્દુલ્લા અલ શીબે બોક્સની અંદર ફાઉલ કર્યો જે બાદ રેફરી દ્વારા તેને યલો કાર્ડ બતાવવામાં આવ્યો હતો અને ઇક્વાડોરને પેનલ્ટી મળી હતી. ફરી એકવાર કેપ્ટન એનર વેલેન્સિયા આગળ આવ્યો અને બીજો ગોલ કરવામાં કોઈ ભૂલ કરી નહીં. આ પછી, તેણે વર્લ્ડકપમાં તેના ચાર ગોલ પૂરા કર્યા અને એક્વાડોર માટે સૌથી વધુ ગોલ કરનાર ખેલાડી બન્યો હતો.
કતાર 25 નવેમ્બરે સેનેગલ સાથે ટકરાશે
કતારની ટીમના નામે એક શરમજનક રેકોર્ડ નોંધાયો છે. યજમાન ટીમ 25 નવેમ્બરે સેનેગલ સામેની જીત સાથે ટુર્નામેન્ટમાં પાછા ફરવાની આશા રાખશે. જ્યારે વર્લ્ડકપમાં વિજય સાથે શાનદાર શરૂઆત કરનાર એક્વાડોરની ટીમ એ જ દિવસે નેધરલેન્ડ સામે પોતાની જીતનો સિલસિલો જાળવી રાખવા માંગશે. હવે એ જોવાનું રસપ્રદ રહેશે કે કતારની ટીમ વર્લ્ડકપમાં વાપસી કરી શકે છે કે નહીં.