- રાજકોટમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ત્રીજી ટેસ્ટ મેચ રમાઇ
- આ મેચમાં યશસ્વી જયસ્વાલે બેવડી સદી ફટકારી
- જયસ્વાલની વિસ્ફોટક અંદાજમાં આ બેક ટુ બેક બીજી બેવડી સદી હતી
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રાજકોટમાં ટેસ્ટ મેચ રમાઈ હતી. જેમાં ભારતીય ઓપનર યશસ્વી જયસ્વાલે શાનદાર ઈનિંગ રમી હતી. આ મેચમાં જયસ્વાલે વિસ્ફોટક અંદાજમાં બેવડી સદી ફટકારી હતી. આ જયસ્વાલેની બેક ટુ બેક બીજી સદી હતી. જયસ્વાલની વિસ્ફોટક સ્ટાઈલ જોઈને ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન માઈકલ વોને તેને ટીમ ઈન્ડિયાનો આગામી વીરેન્દ્ર સેહવાગ ગણાવ્યો છે.
જયસ્વાલ બન્યો બીજો વીરેન્દ્ર સેહવાગ
ભારતીય ટીમનો ઓપનર યશસ્વી જયસ્વાલ અગાઉ વિશાખાપટ્ટનમમાં રમાયેલી છેલ્લી મેચ દરમિયાન પણ બેવડી સદી ફટકારી હતી. આ પછી રાજકોટ ટેસ્ટમાં પણ જયસ્વાલે બેવડી સદી ફટકારતાની સાથે જ માઈકલ વોને સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી હતી. જેમાં તેણે લખ્યું હતું કે, 'ભારત પાસે હવે એક નવો સેહવાગ છે.’ યશસ્વી એક એવો બેટ્સમેન છે જે ક્રિકેટના તમામ ફોર્મેટમાં વિપક્ષના બોલિંગ આક્રમણનો નાશ કરી શકે છે, જેમ પહેલાં વીરુ કરતો હતો.
વીરેન્દ્ર સેહવાગની કારકિર્દી
વીરેન્દ્ર સેહવાગ તેની વિસ્ફોટક બેટિંગ માટે પણ જાણીતો હતો. ટેસ્ટ ક્રિકેટમાં પણ તે ખૂબ જ ઝડપી બેટિંગ કરતો હતો. ઓપનિંગ બેટ્સમેન તરીકે સેહવાગે વિસ્ફોટક ઈનિંગ્સ રમી અને ટીમ ઈન્ડિયા માટે ઘણી મેચો જીતી. સેહવાગની નિવૃત્તિ બાદ ટીમ ઈન્ડિયાને હજુ સુધી ટોપ ઓર્ડરમાં એવો બેટ્સમેન મળ્યો ન હતો જે તેનો ખાલીપો ભરી શકે. હવે યશસ્વી આ લાંબા સમયથી પડેલી ઉણપને પુરી કરતો જણાય છે.
યુવા બેટ્સમેનની વિસ્ફોટક બેટિંગ
યશસ્વીએ તેની કારકિર્દીમાં અત્યાર સુધી માત્ર 7 ટેસ્ટ મેચ રમી છે. આ 7 મેચમાં તેણે બે ફિફ્ટી અને ત્રણ સદી ફટકારી છે. તેણે વેસ્ટ ઈન્ડિઝ સામે તેની પ્રથમ સદી ફટકારી હતી, જ્યારે તેણે 171 રનની ઈનિંગ રમી હતી. આ પછી છેલ્લી મેચમાં તેની બીજી સદી આવી. યશસ્વીએ વિશાખાપટ્ટનમ ટેસ્ટમાં 209 રનની ઇનિંગ રમી હતી. આ ઉપરાંત રાજકોટમાં પણ આ યુવા બેટ્સમેને પોતાની ત્રીજી સદીને બેવડી સદીમાં બદલી નાખી.
યશસ્વીનો સ્ટ્રાઈક રેટ
ટેસ્ટ ક્રિકેટમાં યશસ્વીનો સ્ટ્રાઈક રેટ પણ 70ની નજીક છે. ખાસ વાત એ છે કે ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં તે પ્રથમ બેટ્સમેન છે જેણે એક ટેસ્ટ સિરીઝમાં 22 સિક્સર ફટકારવાનો રેકોર્ડ બનાવ્યો છે. આ સાથે તેણે એક ઇનિંગમાં સૌથી વધુ સિક્સ ફટકારવાના રેકોર્ડની પણ બરાબરી કરી લીધી છે. તેણે રાજકોટ ટેસ્ટની ત્રીજી ઇનિંગમાં 12 સિક્સર ફટકારી હતી. તેની વિસ્ફોટક સ્ટાઈલને કારણે તેને આગામી વીરેન્દ્ર સેહવાગ માનવામાં આવી રહ્યો છે.