- ભારત અને શ્રીલંકા વચ્ચે રમાયેલી વનડે સિરીઝની પ્રથમ મેચ ટાઈ રહી
- ટાર્ગેટનો પીછો કરતી વખતે ટીમ ઈન્ડિયાની સારી શરૂઆત રહી
- ગૌતમ ગંભીરનુ રિએક્શન સોશિયલ મીડિયા પર વાયરલ થયુ
ભારત અને શ્રીલંકા વચ્ચે રમાયેલી વનડે સિરીઝની પ્રથમ મેચ ટાઈ રહી હતી. ટાર્ગેટનો પીછો કરતી વખતે ટીમ ઈન્ડિયા સારા ફોર્મમાં દેખાઈ રહી હતી પરંતુ વારંવાર વિકેટો પડવાને કારણે મેન ઇન બ્લુ ટીમ જીત નોંધાવી શકી ન હતી. છેલ્લા 14 બોલમાં ભારતને જીતવા માટે માત્ર 01 રનની જરૂર હતી, પરંતુ અહીં પણ ટીમ ઈન્ડિયા જીતી શકી ન હતી. ભારતે છેલ્લી વિકેટ અર્શદીપ સિંહના રૂપમાં ગુમાવી હતી. અર્શદીપ આઉટ થતાંની સાથે જ મુખ્ય કોચ ગૌતમ ગંભીર, જે બે બોલ પહેલા આનંદથી કૂદકો લગાવી રહ્યો હતો, તે અવાચક થઈ ગયો.
ગંભીરનું રિએક્શન વાયરલ
ગૌતમ ગંભીરનુ રિએક્શન સોશિયલ મીડિયા પર વાયરલ થયુ છે. બે બોલ પહેલા આનંદથી નાચી રહેલો ગંભીર અચાનક ઉદાસ થઈ ગયો. પરંતુ ગંભીરના ચહેરા પરની પ્રતિક્રિયા અચાનક કેવી રીતે બદલાઈ ગઈ? ચાલો જાણીએ આવું કેમ થયું.
દુબે ચોગ્ગો મારીને થયો LBW આઉટ
ટીમ ઈન્ડિયાને જીતવા માટે છેલ્લા 16 બોલમાં માત્ર 5 રનની જરૂર હતી અને શિવમ દુબે ક્રીઝ પર હાજર હતો અને મોહમ્મદ સિરાજ નોન-સ્ટ્રાઈક પર હતો. ભારતની 2 વિકેટ હાથમાં હતી. સ્ટ્રાઈક પર રહેલા દુબેએ ચોગ્ગો ફટકાર્યો અને હવે 15 બોલમાં માત્ર 1 રનની જરૂર હતી. દુબેના ચોગ્ગા જોઈને ગંભીર આનંદથી ઉછળી પડ્યો હતો, પરંતુ ચોગ્ગો મારનાર દુબે બીજા જ બોલ પર આઉટ થઈ ગયો હતો અને અર્શદીપ સિંહ બેટિંગ કરવા માટે ક્રીઝ પર આવ્યો હતો.
અર્શદીપ મોટો શોટ રમવા જતા થયો આઉટ
હવે ભારતને જીતવા માટે 14 બોલમાં માત્ર 1 રનની જરૂર હતી અને ટીમની માત્ર એક જ વિકેટ બચી હતી. ક્રિઝ પર રહેલા અર્શદીપે સિંગલ લેવાને બદલે ઝડપી ક્રોસ બેટ રમી અને એલબીડબલ્યુ આઉટ થયો. અર્શદીપના આઉટ થતાં જ આનંદથી ભરાઈ રહેલો ગૌતમ ગંભીર અચાનક ઉદાસ થઈ ગયો.