- BCCI આવતા અઠવાડિયે બે મોટી જાહેરાત કરી શકે
- શ્રીલંકા પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાની કરી શકે જાહેરાત
- ટીમ ઈન્ડિયાના નવા હેડ કોચ તરીકેની કરશે નિમણૂક
ઝિમ્બાબ્વે પ્રવાસ બાદ ટીમ ઈન્ડિયા શ્રીલંકા પ્રવાસે જઈ રહી છે. ટીમ ઈન્ડિયા આ પ્રવાસમાં વનડે અને T20 સિરીઝ રમવાની છે. આ પ્રવાસ પર ટીમ ઈન્ડિયાના નવા મુખ્ય કોચ પૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીર હોઈ શકે છે. રોહિત શર્મા, વિરાટ કોહલી અને જસપ્રિત બુમરાહ જેવા વરિષ્ઠ ખેલાડીઓને શ્રીલંકા પ્રવાસ દરમિયાન આરામ આપવામાં આવી શકે છે. આવી સ્થિતિમાં હવે ચાહકોની નજર આ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત પર ટકેલી છે.
આવતા અઠવાડિયે 2 મોટી જાહેરાતો થશે!
રિપોર્ટ્સ અનુસાર, BCCI આવતા અઠવાડિયે બે મોટી જાહેરાત કરી શકે છે. જેમાં એકમાં શ્રીલંકા પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત અને બીજીમાં ગૌતમ ગંભીરને ટીમ ઈન્ડિયાના નવા મુખ્ય કોચ તરીકે નિયુક્ત કરવાનો સમાવેશ થઈ શકે છે.
એક અહેવાલ અનુસાર ટીમ ઈન્ડિયાના મુખ્ય ખેલાડીઓ રોહિત શર્મા, વિરાટ કોહલી અને જસપ્રિત બુમરાહને શ્રીલંકા પ્રવાસ માટે આરામ આપવામાં આવશે. જો આ પ્રવાસ પર ટીમ ઈન્ડિયાના કેપ્ટનની વાત કરીએ તો બે ખેલાડીઓના નામ સામે આવી રહ્યા છે. કેએલ રાહુલ અને હાર્દિક પંડ્યામાંથી કોઈપણ એક ખેલાડીને શ્રીલંકા સામેની સિરીઝ માટે કેપ્ટન બનાવવામાં આવી શકે છે.
ગૌતમ ગંભીરના પગાર પર BCCIની ચર્ચા
T20 વર્લ્ડકપ 2024 બાદ ટીમ ઈન્ડિયાના હેડ કોચ તરીકે રાહુલ દ્રવિડનો કાર્યકાળ પૂરો થઈ ગયો હતો. જોકે, વર્લ્ડકપ પહેલા જ BCCI ટીમ ઈન્ડિયા માટે નવા હેડ કોચની શોધ કરી રહી છે, જેમાં ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર ગૌતમ ગંભીરનું નામ હવે સૌથી આગળ છે.
ગંભીરની ટૂંક સમયમાં મુખ્ય કોચ તરીકે નિમણૂક થઈ શકે છે. BCCIએ પહેલા જ મુખ્ય કોચ પદ માટે ગંભીરનો ઈન્ટરવ્યુ લીધો છે. અહેવાલો અનુસાર, ગંભીરના કોચ બનવામાં વિલંબ થઈ રહ્યો છે કારણ કે ગંભીરના પગારને લઈને ચર્ચાઓ ચાલી રહી છે. BCCI ટૂંક સમયમાં ટીમ ઈન્ડિયાના કોચિંગ સ્ટાફની પોસ્ટનું વિતરણ કરવા જઈ રહ્યું છે.